Ahmedabad Memnagar Slab Collapse News: અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રહેણાંક મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર મેમનગર પંથકમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.
Memnagarમાં ભારે અવાજ સાથે સ્લેબ પડ્યો
મળતી માહિતી મુજબ, મેમનગરની કૃષ્ણનગર વસાહતમાં આ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક મકાનની ગેલેરીનો સ્લેબ તીવ્ર અવાજ સાથે નીચે ખાબક્યો હતો. સ્લેબ પડવાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના રહીશો ફફડાટ સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા.
દુર્ભાગ્યવશ, જે સમયે સ્લેબ પડ્યો તે સમયે એક વ્યક્તિ તેની ઝપેટમાં આવી ગઈ હતી. સ્લેબનો ભારેખમ કાટમાળ શરીર પર પડતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મકાનનો બાકીનો હિસ્સો પણ જોખમી જણાતા સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારમાં બેરિકેટિંગ કરી દીધું છે. વધુમાં, અન્ય કોઈ જાનહાનિ ન થાય તે માટે હાલ પૂરતો તે માર્ગ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, ધરાશાયી થયેલું આ મકાન કેટલું જૂનું હતું અને શું તંત્ર દ્વારા તેને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જર્જરિત મકાનો સામે લાલબત્તી સમાન કિસ્સો
ચોમાસું નજીક આવતા પહેલા અથવા વાતાવરણમાં પલટા દરમિયાન આવી જર્જરિત ઇમારતો જોખમી સાબિત થતી હોય છે. મેમનગરની આ ઘટનાએ ફરી એકવાર જૂના મકાનોના સ્ટ્રક્ચરલ ઓડિટ અને લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો:અમદાવાદના સરખેજ નજીક નવી બનતી સાઈટ પર ક્રેનનું બકેટ તુટી પડતા શ્રમિકનું મોત
આ પણ વાંચો: ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી, 4 ને ઈજા અને 3 મજૂરોના મોત
