Ahmedabad News: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં (Vatva GIDC News) વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો કિસ્સો સામે (Ahmedabad Money Lending Case) આવ્યો છે. એક મોબાઇલ વેપારીએ ધંધા માટે પિતા-પુત્ર પાસેથી 30 ટકા વ્યાજે રૂ.37.50 લાખ લીધા હતા. વેપારીના આક્ષેપ મુજબ, તેણે 16 મહિના દરમિયાન રૂ.76 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા અને મુદ્દલની રકમ પણ પરત કરી હોવા છતાં આરોપીઓએ સિક્યોરિટી પેટે લીધેલા 14 કોરા ચેક પરત આપ્યા નહોતા. એટલું જ નહીં, વધુ રૂ.22.50 લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવી ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે વેપારીએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad Money Lending Case: દુબઈમાં ઓળખાણ બાદ 30 ટકા વ્યાજે લીધા રૂપિયા
ફરિયાદ મુજબ, જશોદાનગરના પુષ્કર હિલ વિસ્તારમાં રહેતા નિરવ સચાણીયા મોબાઇલ ફોનના વેપાર સાથે સંકળાયેલા છે. અગાઉ દુબઈમાં તેમના ફ્લેટમાં દિપક ભારાણી અને તેમના પિતા વાસુદેવભાઈ ભાડે રહેતા હોવાથી તેમની ઓળખાણ થઈ હતી. જુલાઈ 2023માં ધંધાકીય જરૂરિયાત માટે નિરવે પિતા-પુત્ર પાસેથી 30 ટકા વ્યાજે રૂ.37.50 લાખ લીધા હતા. તેની સામે તેમણે પોતાના અને પત્નીના મળીને કુલ 14 સહી કરેલા કોરા ચેક સિક્યોરિટી તરીકે આપ્યા હતા.
16 મહિના સુધી દર મહિને રૂ.4.75 લાખ ચૂકવ્યા
વેપારીના જણાવ્યા મુજબ, તેમણે 16 મહિના સુધી દર મહિને રૂ.4.75 લાખ લેખે કુલ રૂ.76 લાખ રોકડા વ્યાજ પેટે ચૂકવ્યા (Illegal Money Lending) હતા. આ ઉપરાંત દિપક ભારાણી, તેમના પરિવારજનો, મિત્રો અને વિવિધ મોટર્સનાં ખાતાંમાં ઓનલાઇન રૂ.35.43 લાખ તેમજ રોકડા રૂ.2.07 લાખ પણ ચૂકવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ત્યારબાદ નિરવે પોતાના અને પત્નીના સહી કરેલા કોરા ચેક પરત માગ્યા હતા. જોકે, દિપક ભારાણીએ ચેક શોધીને પરત આપવાનું કહી સમય પસાર કર્યો હોવાનો આક્ષેપ છે.
વધુ રૂ.22.50 લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે બે મહિના બાદ વેપારીએ ફરી ચેકની માગણી કરતાં પિતા-પુત્રએ હજુ રૂ.22.50 લાખ બાકી હોવાનું કહી તેની ઉઘરાણી શરૂ કરી હતી. વેપારીનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર સિક્યોરિટી માટે આપેલા કોરા ચેકમાં રૂ.22.50 લાખની રકમ ભરી બેંકમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાઉન્સ થયા હતા.
ખોટા કેસમાં ફસાવવા અને મારી નાખવાની ધમકીનો આરોપ
વેપારીના આક્ષેપ મુજબ, ચેક બાઉન્સ થયા બાદ બેંકની નોટિસ મોકલવામાં આવી હતી. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની, મારી નાખવાની અને મિલકત પડાવી લેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. સતત ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને નિરવ સચાણિયાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સામે ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરમાં વ્યાજખોરીનો કોન્ટ્રાક્ટરનો આરોપ: પોલીસકર્મી સહિત 4 સામે કાર્યવાહી
આ પણ વાંચો: વડોદરામાં વ્યાજખોરી અને ખંડણીના આરોપમાં તમન્ના સૈયદ અને પતિ સોહેલની ધરપકડ
આ પણ વાંચો: વડોદરામાં વ્યાજખોરીનો ગંભીર આક્ષેપ, મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યાનો દાવો
