ભારત/ એરફોર્સને મળ્યું નવું ગેમ ચેન્જર હથિયાર ..જાણો તેની વિશેષતા

વાયુસેનાને મિડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ મળી છે જે દુશ્મનના લડાકુ વિમાનો, મિસાઈલ, હેલિકોપ્ટર અને ડ્રોનને 70 કિમીના અંતરથી નાશ કરશે

Top Stories

ભારતીય વાયુસેનાને આજે મિડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ (MRSAM) મળી છે જે દુશ્મનના લડાકુ વિમાનો, મિસાઈલ, હેલિકોપ્ટર અને ડ્રોનને 70 કિમીના અંતરથી નાશ કરી શકે છે. તેની ક્ષમતા વિશે વાત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેને હવાઈ સંરક્ષણનો ગેમ ચેન્જર ગણાવ્યો હતો. ભારત અને ઇઝરાયલે સંયુક્ત રીતે MRSAM અને બરાક 8 એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે.

આ સિસ્ટમમાં એડવાન્સ રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, મોબાઇલ લોન્ચરનો સમાવેશ થાય છે. આ મિસાઈલ સ્વદેશી ઉત્પાદિત રોકેટ મોટર દ્વારા સંચાલિત છે અને તેમાં ખૂબ જ ખાસ નિયંત્રણ વ્યવસ્થા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જેસલમેરમાં ઇન્ડક્શન સેરેમનીમાં જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાને MRSAM સોંપવાથી, અમે આત્મનિર્ભર ભારત તરફ મોટી છલાંગ લગાવી છે. MRSAM એર ડિફેન્સમાં ગેમચેન્જર બનશે.

આ સિસ્ટમ સંયુક્ત રીતે ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન  દ્વારા વિકસાવવામાં આવી છે. ઇઝરાયલી કંપનીઓ રાફેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને એલ એન્ડ ટી પણ આ પ્રોજેક્ટમાં સામેલ હતી. DRDO ચીફ જી સતીશ રેડ્ડીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાને પ્રથમ ફાયરિંગ યુનિટ સોંપ્યું હતું. સં રક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “આ સિસ્ટમ ખરાબ હવામાનમાં પણ 70 કિમીની રેન્જમાં એક સાથે અનેક લક્ષ્યોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. સખત પરીક્ષણોની શ્રેણીમાં તેની સફળતા તેની વિશ્વસનીયતાનો પુરાવો છે. સેનાએ MRSAM માટે ઓર્ડર પણ આપ્યો છે. ભારત અને ઇઝરાયલે છેલ્લા ચાર વર્ષમાં એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ માટે 3 અબજ ડોલરના અલગ કરારો કર્યા છે.