AMC Polluted Water Protest: અમદાવાદ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવતા ગંદા પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસના નેતાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કચેરી ખાતે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે મેયર પ્રતિભા જૈનને ગંદા પાણીની બોટલ ધરીને તંત્રની નિષ્ફળતા સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

AMC ઓફિસ ખાતે મેયર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો જ્યારે ગંદા પાણીની બોટલો સાથે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીના દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા હતા. અંદર પ્રવેશ ન મળતા વિપક્ષી નેતાઓ અને કાર્યકરો જાળી પાસે જ બેસી ગયા હતા અને ‘હાય રે મેયર હાય હાય’ ના નારા લગાવ્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પણ આ દરમિયાન ભારે ખેંચતાણ જોવા મળી હતી.
“કોઈનું મોત થશે તો જવાબદાર મેયર”
શહેઝાદખાન પઠાણે મેયરના ટેબલ પર ગંદા પાણીની બોટલ મૂકીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “મેયર સાહેબ, આ બ્લેક કોફી નથી, પરંતુ એ પાણી છે જે અમદાવાદની જનતા પીવા મજબૂર છે.” તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો આ દૂષિત પાણી પીવાથી કોઈ નાગરિકનું મૃત્યુ થશે, તો તેની તમામ જવાબદારી મેયર અને મ્યુનિસિપલ તંત્રની રહેશે. તેમણે ગાંધીનગર અને ઇન્દોરના દાખલા આપીને ગંભીર રોગચાળાની ભીતિ વ્યક્ત કરી હતી. અમદાવાદમાં પણ આવી ઘટના ન બને તે માટે વિપક્ષે મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે

મેયરનો બચાવ: “સ્થિતિ નિયંત્રણમાં છે”
સામે પક્ષે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં કોઈ ગંભીર રોગચાળાની સ્થિતિ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિત ક્લોરિનેશન અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. જો કોઈ ફરિયાદ આવે તો તેનો વોર્ડ લેવલે નિકાલ કરવામાં આવે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ગેરકાયદે ચરસનો ધંધો કરતા બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 1.5 લાખથી વધુની રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, બે લોકોની ધરપકડ
