Amreli News: અમરેલી જિલ્લામાં માનવ-સિંહ સંઘર્ષની ગંભીર ઘટના (Amreli Lion Attack) સામે આવી છે. વડિયા તાલુકાના અરજણસુખ ગામની આસપાસ એક સિંહણે એક પછી એક લોકો પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ (Arjansukh Lioness) સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રિથી વહેલી સવાર સુધીમાં સિંહણે પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે. સિંહણને પકડવા માટે પહોંચેલી વન વિભાગની ટીમના એક ગાર્ડ પર પણ હુમલો થતાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન દોડધામ મચી હતી.
Amreli Lion Attack: મોડી રાત્રે બાઈક પર જઈ રહેલા બે યુવકો પર હુમલો
1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સમયે તોરી ગામના બે યુવકો અરજણસુખ ગામમાં પ્રસંગ પૂર્ણ કરીને બાઈક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ ગામથી પાટિયા તરફ જતા માર્ગ પર અચાનક સિંહણે બાઈકસવાર યુવકો પર હુમલો કર્યો હતો. હુમલાને કારણે બાઈકનું સંતુલન બગડતાં બંને યુવકો નીચે પટકાયા હતા. બંનેને ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સવારે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર હુમલો
રાત્રિના હુમલા બાદ પણ સિંહણની હિલચાલ ચાલુ રહી હતી. વહેલી સવારે અરજણસુખની સીમમાં કપાસના ખેતરો પાસે વધુ બે વ્યક્તિ પર હુમલો (Vadia Lion Attack) થયો હોવાની માહિતી સામે આવી છે.એક ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તે પોતાની વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે કપાસમાંથી અચાનક સિંહણ બહાર આવી અને તેના તરફ દોડી હતી. હુમલામાં તેને ઈજા પહોંચી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં સિંહણે પાંચ લોકો પર હુમલો કર્યો છે.
સિંહણને પકડવા પહોંચેલા ગાર્ડ પર પણ હુમલો
લોકો પર સતત હુમલાની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ACF રાજન જાદવ સહિતની ટીમ દ્વારા રાત્રિથી જ વિસ્તારમાં સિંહણના સગડ શોધવાની કામગીરી કરવામાં આવી રહી હતી.સિંહણના સગડ મળ્યા બાદ તેને પકડવા માટે ડોક્ટરોની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. આ દરમિયાન સિંહણે વન વિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
‘કપાસમાંથી અચાનક દોડીને આવી’
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અતુલભાઈએ જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. તે સમયે કપાસના પાકમાંથી સિંહણ અચાનક બહાર આવી અને તેમના તરફ દોડી હતી.તેમના જણાવ્યા પ્રમાણે, બાદમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમના પહેલાં પણ અન્ય લોકો પર હુમલો થયો હતો. તેમણે હુમલો કરનારી સિંહણને જોઈ હોવાનો પણ દાવો કર્યો છે.
ખેડૂતોમાં ભયનો માહોલ
અરજણસુખ ગામના સરપંચે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર વધી છે. હાલ ખેતીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો માટે ખેતરમાં જવું જરૂરી છે, પરંતુ સિંહણના હુમલાના કારણે લોકોમાં ભય ફેલાયો છે.સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ સિંહણને ઝડપથી રેસ્ક્યૂ કરવાની માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં કામ દરમિયાન અચાનક સિંહણ સામે આવી જવાની ભીતિ છે.
વન વિભાગે શું કહ્યું?
વન વિભાગના (Amreli Forest Department) ACF રાજન જાદવના જણાવ્યા પ્રમાણે, રાત્રે ઘટનાની જાણ થતાં જ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી અને સિંહણના સગડ પણ મળી આવ્યા છે.હાલ વન વિભાગ દ્વારા સિંહણને શોધી તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાની કામગીરી (Lion Rescue Operation) ચાલી રહી છે. સિંહણના હુમલાનું કારણ શું હતું અને શું તે જ સિંહણે તમામ લોકો પર હુમલો કર્યો છે, તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો હુમલો, ખેત મજૂર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો વન વિભાગના ટ્રેકર પર હુમલો, સાથીદારોએ પંજામાંથી છોડાવ્યો
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો જીવલેણ હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, 1 કિમી દૂર મળ્યા અવશેષો
