Amreli Rajula Honeytrap Case: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી હનીટ્રેપ (Honeytrap) ની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના એક યુવકને ષડયંત્ર રચીને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એક અવાવરૂ જગ્યાએ બોલાવી, માર મારીને મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઓળખાણનો લાભ ઉઠાવી અવાવરૂ જગ્યાએ બોલાવ્યો
પોલીસ ફરિયાદ મુજબ, વારાસ્વરૂપ ગામના યુવકને આ હનીટ્રેપ ગેંગના જ એક સભ્ય સાથે અગાઉથી પરિચય હતો. આ ઓળખાણનો ગેરલાભ ઉઠાવીને આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. રાત્રિના અંધકારમાં યુવકને હિંડોરણા ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ અગાઉથી ગોઠવાયેલા આરોપીઓએ યુવકને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો અને તેને ડરાવી-ધમકાવીને એક મહિલા સાથે તેનો પરિચય કરાવ્યો હતો.
રોકડ અને મોબાઈલ લૂંટી લીધા
આરોપીઓ આટલેથી જ ન અટક્યા, તેઓએ બળજબરીપૂર્વક યુવકનું પેન્ટ ઉતરાવી તેને નિર્વસ્ત્ર કર્યો હતો અને પેલી મહિલા સાથે તેનો બીભત્સ (અશ્લીલ) વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ યુવકના ખિસ્સામાંથી 1950 રૂપિયાની રોકડ રકમ અને તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો.

‘5 લાખ આપ, નહીંતર વીડિયો વાયરલ કરી દઈશું’
વીડિયો ઉતાર્યા બાદ ગેંગે યુવકને ધમકી આપી હતી કે, જો તે 5 લાખ રૂપિયાની ખંડણી નહીં આપે તો આ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે અને તેને જાનથી મારી નાખવામાં આવશે. ગભરાઈ ગયેલા યુવકે હિંમત દાખવીને આખરે રાજુલા પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
Honeytrap કેસમાં મહિલા સહિત 3 ઝડપાયા
ઘટનાની ગંભીરતા પારખીને DYSP નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા PI વી.એમ. કોલાદરા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે કુલ 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓ સમીનાબેન સબીરભાઈ સેલોત, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને કરણ દંતુભાઈ પટાટની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ લખમણભાઈ વાલેરાભાઈ પટાટ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ હાલ ફરાર હોય પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટની રોકડ, 5 મોબાઈલ અને બાઈક મળી કુલ 77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી, રિમાન્ડ મેળવી અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં હનીટ્રેપનો શિકાર બન્યો યુવક, બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર લૂંટ્યા
આ પણ વાંચો: મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53.50 લાખ પડાવનાર 5 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદના સેટેલાઇટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, માતા-પુત્રી સામે ખંડણીનો આરોપ
