World News/ હોર્મુઝ સ્ટ્રેટને લઈને ટ્રમ્પનો ફરી મોટો દાવો, નકશો શેર કરી હોર્મુઝ સ્ટ્રેટને ‘નવો US પ્રદેશ’ ગણાવ્યો

Trump Hormuz Map: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો હિસ્સો ગણાવી ફરી એકવાર નકશો શેર કર્યો. ટ્રમ્પના દાવા બાદ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટને લઈને કડક વલણ જાહેર કર્યું છે.

Top Stories World
Hormuz

Trump Hormuz Map: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ફરી એકવાર મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર હોર્મુઝ સ્ટ્રેટનો નકશો શેર કરીને તેને ‘નવો અમેરિકન પ્રદેશ’ ગણાવ્યો હતો.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. અહીંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ અને અન્ય માલસામાનનો વૈશ્વિક પુરવઠો થાય છે. ટ્રમ્પે શેર કરેલા નકશામાં હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વર્તુળ દર્શાવવામાં આવ્યું હતું.

ટ્રમ્પે આ જ નકશો અગાઉ 18 ઓગસ્ટે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જોકે, હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન પ્રદેશ જાહેર કરવાની વાત તેમણે પ્રથમ વખત 15 ઓગસ્ટે કરી હતી. ન્યૂયોર્કમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને ભારે હરાવ્યા બાદ તેઓ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન પ્રદેશ જાહેર કરશે.

ઈરાનનો પણ કડક જવાબ

હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ ઘેરાયો છે. ઈરાનનું કહેવું છે કે સ્ટ્રેટ બંધ રહેશે અને જ્યાં સુધી અમેરિકા પોતાના વચનો પૂરા નહીં કરે તથા તેનું વર્તન નહીં બદલે ત્યાં સુધી તેને ફરી ખોલવામાં આવશે નહીં.

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા મોહસેન રેઝાઈએ સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે અમેરિકાના દાવાઓ છતાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. તેમણે અમેરિકા પર પોતાનું વર્તન સુધારવા અને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાની માંગ કરી હતી.

રેઝાઈએ અન્ય દેશોને પણ અમેરિકાના આર્થિક યુદ્ધમાં ભાગ ન લેવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં સામેલ કોઈપણ દેશને દુશ્મન તરીકે જોવામાં આવશે.

શા માટે હોર્મુઝ સ્ટ્રેટ મહત્વપૂર્ણ છે?

હોર્મુઝ સ્ટ્રેટ પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીને જોડતો વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે. વિશ્વના ઊર્જા પુરવઠામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાથી અહીં કોઈપણ પ્રકારનો અવરોધ વૈશ્વિક તેલ અને ગેસ બજાર પર મોટી અસર કરી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતો તણાવ હવે માત્ર બંને દેશો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેની અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી શકે છે.


આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો પ્લાન, અમેરિકા-ઈઝરાયલના જહાજો પર પ્રતિબંધની તૈયારી

આ પણ વાંચો: હોર્મુઝ સંકટ સામે ભારત તૈયાર, અમેરિકાથી વધશે LPG આયાત

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી દુર્ઘટના! દરિયાઈ ખાણમાં અથડાતા તેલ ટેન્કરમાં વિસ્ફોટ