Japan Earthquake News: જાપાનની રાજધાની ટોક્યો સહિત પૂર્વીય વિસ્તારમાં રવિવારે વહેલી સવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. જોકે, મોટાભાગની ઈજાઓ ગંભીર ન હોવાનું જણાવાયું છે. ભૂકંપ બાદ જાપાનમાં સુનામી અંગે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નહોતી.
જાપાન હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં જમીનથી આશરે 70 કિલોમીટર ઊંડાઈએ હતું. બીજી તરફ, યુએસ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.8 હોવાનું પ્રાથમિક રીતે નોંધ્યું હતું. જાપાનનો આ વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે અને અહીં અવારનવાર ધરતીકંપના આંચકા અનુભવાય છે.
ભૂકંપની અસર પરિવહન વ્યવસ્થા પર પણ જોવા મળી હતી. ઈસ્ટ જાપાન રેલવે કંપની અનુસાર, ટોક્યોથી નરીતા એરપોર્ટ તરફ જતી કેટલીક એક્સપ્રેસ ટ્રેનો તેમજ ઉત્તર-પૂર્વ જાપાનની સ્થાનિક ટ્રેનો મોડી પડી હતી. જોકે, શિંકનસેન બુલેટ ટ્રેન સેવા સામાન્ય રીતે ચાલુ રહી હતી.
ભૂકંપ બાદ સરકારી તંત્ર પણ સક્રિય થઈ ગયું હતું. વડાપ્રધાન સનાઈ તકાઈચીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈનાત કરવામાં આવી છે. ભૂકંપના કારણે કેટલીક માળખાકીય સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું હતું.
ટોક્યોના કોટો વિસ્તારમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇન તૂટી જતાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. જોકે, સમારકામ બાદ પાણીનું લીકેજ અટકાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટોક્યોના લગભગ 460 ઘરોમાં થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ રવિવારની સવાર સુધીમાં વીજળી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જાપાનમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલાં દક્ષિણ જાપાનના ક્યુશુ ટાપુના કુમામોટો વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. તે ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, 364 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 1,500થી વધુ ઈમારતોને નુકસાન થયું હતું.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ
આ પણ વાંચો: પેરુમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, દક્ષિણ વિસ્તારોમાં આંચકા; 2 લોકો ઘાયલ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા
