ધરપકડ/ આણંદ પોલીસે ચીખલીગેંગના 3 આરોપીની ધરપકડકરી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ શહેરની ગણેશ ચોકડી પાસેથી શહેર પોલીસે બાતમીના આધારે ચીખલીગર ગેંગના ત્રણ સભ્યને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતાં કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આણંદની ચિખોદરા ચોકડીથી બોરસદ ચોકડી તરફ ચિખલીગર ગેંગના ત્રણ સભ્ય જવાના હોવાની ચોક્કસ બાતમી […]

Gujarat

આણંદ શહેરની ગણેશ ચોકડી પાસેથી શહેર પોલીસે બાતમીના આધારે ચીખલીગર ગેંગના ત્રણ સભ્યને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતાં કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદની ચિખોદરા ચોકડીથી બોરસદ ચોકડી તરફ ચિખલીગર ગેંગના ત્રણ સભ્ય જવાના હોવાની ચોક્કસ બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્રણેય શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્રણ શખ્સના નામ-ઠામની પૂછપરછ કરતાં શેરસીંગ ઉર્ફે શેરૂ કાલુસીંગ સરદાર (રહે. ખંભાત ફતેદરવાજા સીતારામ સોસાયટી, ખંભાત), અજયસીંગ ઉર્ફે ઈલ્લા પંચમસીંગ સરદાર (રહે. કતકપુર નવીનગરી સરકારી મકાનમાં, ખંભાત) અને અજીતસીંગ સોનસીંગ સરદાર (રહે. એકતાનગર, આણંદ બોરસદ ચોકડી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સની તપાસ કરતાં તેમની પાસેથી ચોરીની ચાંદીની લગડી, ચાંદીના સિક્કા, રોકડા રૂપિયા 22 હજાર, 40 નંગ જીન્સના પેન્ટ, તેમજ બાઈક મળી આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતાં તેમણે નડિયાદ અને આણંદમાં બે દુકાનના શટર તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે બંને શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ત્રણેય શખ્સોએ ભેગા મળીને છેલ્લાં ચાર માસમાં નડિયાદ શહેરમાં જુદી-જુદી જગ્યાએ કુલ ચાર બંધ મકાનમાં ચોરી કરી હતી. તથા છેલ્લાં અઠવાડિયામાં આણંદ શહેરમાં બે દુકાનના શટર તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, ચોરીનો મુદ્દામાલ વઘાસી ગામમાં અજીતસિંગ સરદારના ઘરે સંતાડી રાખ્યો હતો. જ્યારે નડિયાદની ચોરીનો મુદ્દામાલ હાથીજણ ગામના સંજયકુમાર મોહન સોની નામના બારેજડી બસ સ્ટેન્ડ પાસે આવેલી મહાકાળી જ્વેલર્સને વેચ્યો હોવાની કબુલાત કરી હતી.

ત્રણેય શખ્સ રીઢા ગુનેગાર છે. અગાઉ તેમના વિરૂદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ચોરીનો ગુનો નોંધાયો છે. જેમાં શેરસીંગ અને અજયસીંગ પકડાયા હતા. સામાન્ય રીતે તેઓ જે બંધ મકાન, બંગ્લાને નિશાન બનાવી ચોરી કરતા હતા. વાંદરી પાનાથી નકુચો તોડી મકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.