Ahmedabad News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શુક્રવારે ગુજરાત વિદ્યાપીઠના 104મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણ જગતની ગંભીર ખામીઓ પર બેવડે મોઢે નહીં, સીધી રીતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુનિવર્સિટીઓને “ભ્રષ્ટાચારનું કેન્દ્ર” ગણાવતાં કહ્યું કે, “આજે યુનિવર્સિટીમાં અપાતી ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે.”
આનંદીબેન પટેલે પોતાના ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળનો સીધો અનુભવ જણાવતાં કહ્યું,“અમે જ્યારે ડિગ્રીઓ ભૌતિક સ્વરૂપે આપવાને બદલે DigiLockerમાં સબમિટ કરવાની વ્યવસ્થા લાવી, ત્યારે એક જ વર્ષમાં ડિગ્રી-માર્કશીટમાં થતો ભ્રષ્ટાચાર લગભગ ખતમ થઈ ગયો.ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ તો ભ્રષ્ટાચારને ડામવો અશક્ય નથી.”રાજ્યપાલે શિક્ષણ વ્યવસ્થામાં વણઉકેલાયેલા વિરોધાભાસ પર આંગળી ચીંધી હતી.
આનંદીબેન પટેલે ઉઘાડી પાડી યુનિવર્સિટીની હકીકત
તેમણે કહ્યું,જ્યાંથી બાળકનું પાયાનું શિક્ષણ શરૂ થાય છે એ આંગણવાડીઓને આજે પણ પાકા મકાનો નથી, પીવાનું પાણી નથી, શૌચાલય નથી. પરંતુ યુનિવર્સિટીઓને કરોડો-કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.આ કરોડો રૂપિયા ખરેખર ક્યાં જાય છે? મોટા ભાગના પૈસા આલિશાન બિલ્ડિંગો બનાવવામાં, ગેટ બનાવવામાં, દિવાલો રંગવામાં વપરાય છે. વિદ્યાર્થીઓને લાયબ્રેરી નથી, લેબોરેટરી નથી, શિક્ષકોને પૂરતો પગાર કે સંશોધન માટે ફંડ નથી.
યુનિવર્સિટીઓના વહીવટ પર પણ આનંદીબેનનો (Anandi ben) સીધો પ્રહાર હતો. તેમણે કહ્યું,“ઘણી યુનિવર્સિટીઓમાં ૪૦૦-૫૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય છે, પણ સૌથી પહેલાં વાઇસ-ચાન્સેલર, પ્રો-વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારની નિમણૂક થઈ જાય છે. શિક્ષકોની ભરતી છેલ્લે થાય છે. આ કઈ રીતે શિક્ષણની ગુણવત્તા વધશે?”“ઘણી યુનિવર્સિટીઓ હજુ પણ જૂની પદ્ધતિથી ચાલે છે. નવી શિક્ષણ નીતિનો અમલ ધીમી ગતિએ થઈ રહ્યો છે. જો ખરેખર શિક્ષણમાં ક્રાંતિ લાવવી હોય તો પારદર્શિતા, જવાબદારી અને ટેક્નોલોજીનો સ્વીકાર કરવો જરૂરી છે.”આનંદીબેન પટેલની આ ખુલ્લી ટીકા બાદ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

