Gir Somnath News:ગીરના જંગલ વિસ્તારમાં ફરી એકવાર દીપડાનો આતંક વધ્યો છે.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે શનિવારે મોડી સાંજે એક 50 વર્ષીય મહિલા પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે અને દીપડાને તાત્કાલિક પાંજરે પુરવાની માંગ ઊભી થઈ છે.મળતી માહિતી મુજબ, વલાદર ગામની 50 વર્ષીય મહિલા રેખાબેન પોતાના સંબંધીના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. જાહેર માર્ગ પર અચાનક વંડીમાંથી દીપડો (Leopard) કૂદીને આવ્યો અને મહિલા પર હુમલો કરી દીધો. દીપડાએ મહિલાના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.
સદનસીબે નજીકમાંથી પસાર થતા એક યુવકે બુમાબુમ કરીને દીપડાનું ધ્યાન ખેંચ્યું, જેના કારણે દીપડો ત્યાંથી ભાગી ગયો અને મહિલાનો જીવ બચી ગયો. ગ્રામજનોએ તુરંત મહિલાને કોડીનારની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેમની હાલ સારવાર ચાલુ છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, મહિલાની હાલત સ્થિર છે, પરંતુ ઈજા ગંભીર હોવાથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
દીપડાને પકડવા વન વિભાગની ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં વન વિભાગની (Forest Department)ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી છે. પાંજરા નાખવા અને દીપડાને પકડવા માટેની કાર્યવાહી પણ ઝડપથી ચાલુ કરવામાં આવી છે.બીજી તરફ, એ જ રાત્રે કોડીનાર શહેરના જાણીતા જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીક મધરાતે લગભગ ૩ વાગ્યે એક દીપડો રઝળતો જોવા મળ્યો હતો. દીપડો રહેણાંક વિસ્તારમાં પ્રવેશતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. આ વિસ્તારમાં રાત્રે લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી અનહોની ટળી ગઈ.વન વિભાગે તુરંત કાર્યવાહી કરતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. શાળાઓ અને રહેણાંક વિસ્તારોમાં ખાસ મોનિટરિંગની સૂચના આપવામાં આવી છે. વધુમાં, દીપડાને પકડવા માટે વધારાના પાંજરા અને ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથ: ઉના પાલિકા સભ્યના પુત્ર જીવલેણ હુમલો
આ પણ વાંચો: ગીર સોમનાથમાં રેતીના કાળા ધંધા પર કડક કાર્યવાહી, ઉનામાં બે ટ્રેક્ટર સીઝ

