રોષ/ હિમતનગરના ઇલોલ ગામની પ્રાથમિક શાળા નં.૨ ને મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ

હિમતનગર ના ઇલોલ ગામમાં વસતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન આ શાળા બંધ કરવાના નિર્ણયથી ગ્રામજનોમાં દુ:ખ સાથે નારાજગી જોવા મળી છે

Gujarat
હિંમતનગર

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલી ઇલોલ પ્રાથમિક શાળા નં.૨ ને મર્જ કરી શાળા નં.૧ માં વિલીનીકરણ કરવાનો નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે મંગળવારે ઇલોલ પ્રાથમિક શાળા નં.૨ ના ગેટ બહાર ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પ્રાથમિક શાળા નં.૨ માં ધોરણ-૧ થી ૮ ના વર્ગોમાં અંદાજે ૨૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરતા હતા પરંતુ તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૨૫૦ વર્ષથી વધુ વર્ષથી કાર્યરત એવી સરસ્વતીના મંદિર એવી આ શાળાને બંધ કરવાનો નિર્ણય કરી શાળા નં.૧ માં વિલીનીકરણ કરી દેવાનો આદેશ કરાયો છે.

ઇલોલ ગામમાં વસતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન આ શાળા બંધ કરવાના નિર્ણયથી ગ્રામજનોમાં દુ:ખ સાથે નારાજગી જોવા મળી છે. ગામના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ આ પ્રાથમિક શાળા નં.૨ આસપાસના ગામડામાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા પરંતુ હવે શાળા નં.૧માં આ વિદ્યાર્થીઓને ભણવા જવુ પડશે.

ઇલોલ પ્રાથમિક શાળા નં.૧ હાઇવેથી ખૂબ જ નજીક હોવાથી ચાલતા આવતા વિદ્યાર્થીઓને અકસ્માતની ભીતિ રહેશે. હાલમાં તો આ શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં ગ્રામજનોની મિટીંગમાં પણ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોને ઇલોલ પ્રાથમિક શાળા નં.૧ માં અભ્યાસ કરવા માટે મોકલવા કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. જો સરકાર દ્વારા ઇલોલ પ્રાથમિક શાળા નં.૨ ને ચાલુ રાખવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ગ્રામજનોએ આજે શાળા કેમ્પસ બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ દર્શાવ્યો હતો.

દારૂ ઝડપાયો / ભાવનગર ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી,ડ્રાઇવર અને કલીનર પણ પકડાયા