- પીલુદ્રા ગામે ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાયુ
- ટ્રેકટર પર 4 લોકો હતા સવાર
- 4 પૈકી 3 લોકોનો બચાવાયા
ગુજરાત રાજ્યમાં બારેમેઘ ખાંગાં જેવી હાલત છે. ભારે વરસાદ દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની તમામ નદીઓ બેય કાંઠે વહી રહી છે. અને અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે અંકલેશ્વર ખાતે પણ વરસાદી પાણીમાં ટ્રેક્ટર તણાયું છે. અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પીલુદ્રા ગામે ગીરીશ દીપા પટેલ સહિત કેટલાક વ્યક્તિઓ ખેતરમાંથી પાણી કાઢવા માટે સવારે નીકળ્યા હતા. ત્યારે વન ખાડી પરનું ગરનાળું ઓવર ફ્લો થતાં ટ્રેક્ટર તણાઈને પલટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનો બચાવ થયો છે. જ્યારે કે ગીરીશ પટેલ લાપતા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. તણાયેલા લોકોને વનખાડીની આસપાસના ઝાડનો સહારો મળતાં તેઓ બચી ગયા હતા અને સ્થાનિક લોકોએ એમને ઉગારી લીધા હતા. પરંતુ ગિરીશભાઈ લાપતા છે. અને આ બનાવ અંગે અંકલેશ્વર નાયબ કલેકટર તેમજ મામલતદાર તંત્ર સહિત પોલીસ સ્ટાફને જાણ કરાતાં નાયબ કલેક્ટર, મામલતદાર, અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાપતા ગીરીશભાઈની શોધખોળનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. જો કે, પાછળથી ગીરીશભાઈની લાશ મળી આવી હતી.
