Rajkot News: રાજકોટ શહેર પોલીસમાં જમીનના વિવાદ અને કથિત તોડબાજીના આક્ષેપોને લઈને ફરી એકવાર ખળભળાટ મચ્યો છે. વિવાદાસ્પદ PSI એ.એસ. ગળચર (PSI Galchar) સામે જમીન સોદા સાથે સંકળાયેલા મામલે વધુ એક લેખિત ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સંજય ડોબરિયાના આક્ષેપ મુજબ, ભાગીદારીના પ્લોટના નાણાકીય વિવાદ મામલે તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી, પરંતુ સેટલમેન્ટ કરાવવાના નામે તેમને જ ધાકધમકીનો સામનો કરવો પડ્યો હતો.
ફરિયાદી પરિવારનો આક્ષેપ છે કે કિંમતી મિલકત અડધા ભાવે વેચાવડાવી દેવામાં આવી અને ત્યારબાદ આશરે રૂ.1 કરોડની રકમ પચાવી પાડવામાં આવી. સમગ્ર મામલે ફરિયાદી પરિવાર હવે મીડિયા સમક્ષ આવી ન્યાયની માગ કરી રહ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કર્યા બાદ ફરિયાદી જ પીડિત બન્યાનો આક્ષેપ
સંજય ડોબરિયાના જણાવ્યા પ્રમાણે, ભાગીદારીના પ્લોટને લઈને નાણાકીય વિવાદ ઊભો થતાં તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. તેમનો દાવો છે કે વિવાદનો ઉકેલ લાવવાના નામે PSI ગળચર (PSI Galchar) અને તેમની સાથે સંકળાયેલા લોકો દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સેટલમેન્ટના નામે ફરિયાદીને ધમકાવવામાં આવ્યા અને તેમની કિંમતી મિલકત બજારભાવ કરતાં ઓછા ભાવે વેચાવી દેવામાં આવી હતી. આ વ્યવહાર બાદ આશરે રૂ.1 કરોડ જેટલી રકમ પચાવી પાડવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વચેટિયા તરીકે કામ કરનાર વ્યક્તિ સામે પણ આક્ષેપ
ફરિયાદમાં હર્ષિત જાની નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી પરિવારના જણાવ્યા અનુસાર, હર્ષિત જાની ક્રાઈમ બ્રાન્ચ અને EOWમાં વચેટિયા તરીકે કામ કરતો હોવાનો દાવો કરીને પરિવાર પર રોફ જમાવતો હતો. ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જાની રાજકીય વગ ધરાવતો હોવાની વાતો કરીને ફરિયાદી પરિવારને ધમકાવતો હતો. પોતાનાં રાજકીય સંપર્કો હોવાના દાવા સાથે પરિવાર પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
‘અમે રાંધ્યા ધાન પણ ખાઈ શકતા નથી’
સમગ્ર ઘટનાને લઈને ફરિયાદી સંજય ડોબરિયાની પત્ની મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ફરિયાદ કર્યા બાદ પણ તેમના પરિવારને જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, પરિવારનું જીવન મુશ્કેલ બની ગયું છે અને મિલકત અંગે થયેલી કાર્યવાહી બાદ આર્થિક સંકટ ઊભું થયું છે. મીડિયા સમક્ષ તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે પરિવાર પાસે જીવનનિર્વાહ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. ફરિયાદી પરિવારનો દાવો છે કે ન્યાય માટે પોલીસ પાસે ગયા બાદ પણ તેમને રાહત મળવાને બદલે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
મારપીટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ
ફરિયાદમાં PSI ગળચર (PSI Galchar) સાથે સંકળાયેલા લોકો દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ તેમની મિલકત અને નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
PSI Galchar સામે અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે
PSI એ.એસ. ગળચર સામે જમીનના નાણાકીય વિવાદને લઈને આ પહેલી ફરિયાદ હોવાનો દાવો નથી. અગાઉ શુક્લ પીપળીયા ગામની આશરે રૂ.1.62 કરોડની જમીનના વિવાદમાં કિશોર બાબીયા નામના અરજદારે પણ PSI ગળચર (PSI Galchar) અને ASI મલેક સામે ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં કિશોર બાબીયાએ રૂ.1.17 કરોડ મેળવવા માટે EOWમાં અરજી કરી હતી. જોકે, તેમના આક્ષેપ મુજબ તેમને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને રૂ.1.17 કરોડના બદલે આશરે રૂ.20થી 40 લાખમાં મામલો પતાવી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને આશરે આઠ મહિના સુધી વારંવાર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હતા.
હવે પોલીસ કમિશનરની કાર્યવાહી પર નજર
PSI ગળચર (PSI Galchar) સામે એક પછી એક ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો સામે આવતા રાજકોટ પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને પોલીસમાં ફરિયાદ કરનાર વ્યક્તિ જ જો પોલીસ અધિકારીઓ સામે આક્ષેપો કરતી ફરિયાદ કરે તો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ મહત્વપૂર્ણ બની જાય છે.
હાલ સંજય ડોબરિયાની ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે. હવે રાજકોટ પોલીસ કમિશનર આ ફરિયાદ અંગે શું તપાસ કરાવે છે અને PSI ગળચર (PSI Galchar) સહિત ફરિયાદમાં ઉલ્લેખિત લોકો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:રાજકોટમાં ખાખી સામે ફરી સવાલ! PSI ગળચર વિરુદ્ધ રૂ.7.50 કરોડના વિવાદમાં ફરિયાદ
આ પણ વાંચો:નાના વરાછા મિસફાયરિંગ કેસમાં PSIની હેડક્વાર્ટરમાં બદલી, સસ્પેન્શનની શક્યતા
આ પણ વાંચો:સુરત PSI મિસફાયરિંગ: પિસ્ટલમાં 2 ગોળી, ફસાયેલી ગોળી કાઢતાં ફાયરિંગ; લારીચાલકની હાલત સ્થિર
