Justice Ujjal Bhuyan Statement on Judiciary: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને કોલેજિયમ સિસ્ટમમાં સરકારના વધતા પ્રભાવ સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટના જજોની બદલીના મામલે તેમણે કરેલી ટિપ્પણીએ કાયદાકીય આલમમાં ચર્ચા જગાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ન્યાયિક પ્રક્રિયામાં કાર્યપાલિકા (સરકાર) નો હસ્તક્ષેપ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
શું છે સમગ્ર વિવાદ?
Justice Ujjal Bhuyanએ જીવી પંડિત મેમોરિયલ લેક્ચર દરમિયાન મધ્યપ્રદેશ હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી જસ્ટિસ અતુલ શ્રીધરનની બદલીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વ સીજેઆઈ જસ્ટિસ બી.આર. ગવઈના એક ઘટસ્ફોટનો હવાલો આપતા કહ્યું કે, આ ટ્રાન્સફર કેન્દ્ર સરકારના અનુરોધ પર કરવામાં આવ્યું હતું. જસ્ટિસ ભુઈયાના મતે, આ બાબત ‘કાર્યપાલિકાના પ્રભાવની સ્પષ્ટ સ્વીકૃતિ’ સમાન છે, જે ન્યાયતંત્રની સ્વાયત્તતા માટે ખતરો છે.

જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાના તીખા સવાલો
ન્યાયતંત્રની સ્વતંત્રતા અને જજોની બદલીના નિર્ણયો પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું જજો દ્વારા સરકાર વિરુદ્ધ આપવામાં આવેલા અસુવિધાજનક આદેશો તેમની બદલીનું કારણ હોઈ શકે? આવા કાર્યો ન્યાયતંત્રની સ્વાયત્તતાના પાયા પર પ્રહાર સમાન છે અને તે કોલેજિયમ સિસ્ટમની પ્રામાણિકતા સામે શંકા પેદા કરે છે. બંધારણીય શપથ મુજબ, જજોએ કોઈપણ ડર કે પક્ષપાત વગર કામ કરવાનું હોય છે, તેથી ન્યાયિક સિસ્ટમે કોઈપણ બાહ્ય કે રાજકીય દબાણ વગર સ્વતંત્ર રીતે કાર્ય કરવું અનિવાર્ય છે.
“ન્યાયિક સ્વતંત્રતા એ બંધારણનું મૂળ તત્વ છે”
જસ્ટિસ ભુઈયાએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, હાઈકોર્ટના જજોની ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કેન્દ્ર સરકારનો કોઈ રોલ હોવો જોઈએ નહીં. આ નિર્ણયો માત્ર ન્યાય અને અદાલતી વહીવટના હિતમાં જ લેવાવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે ન્યાયતંત્રએ NJAC ને ફગાવીને કોલેજિયમ સિસ્ટમને યથાવત રાખી છે, ત્યારે તેની ગરિમા જાળવવાની જવાબદારી જજોની વધી જાય છે.
