Ahmedabad News : રાજ્યમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફોર્મ નંબર-7ને લઈને રાજકીય વિવાદ ઘેરો બન્યો છે. મતદાર યાદીમાં નામ ન હોય અથવા કોઈ નામ સામે વાંધો નોંધાવવા માટે 18 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ડેડલાઈન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરી આ મુદ્દાને રાજયવ્યાપી આંદોલન અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની ચીમકી આપી છે.
કોંગ્રેસનો આરોપ: ફોર્મ-7નો આયોજનબદ્ધ દુરુપયોગ
ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર-7નો વ્યાપક અને આયોજનબદ્ધ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર એક વ્યક્તિ-એક મતના અધિકારને છીનવી રહી છે.
તેમના જણાવ્યા મુજબ 15 જાન્યુઆરી સુધી તમામ જિલ્લાઓમાં ફોર્મ-7ની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ 16થી 18 જાન્યુઆરી દરમિયાન અચાનક લાખોની સંખ્યામાં ફોર્મ-7 રજૂ કરવામાં આવ્યા. આ પાછળ પૂર્વયોજિત સાંઠગાંઠ હોવાનું કોંગ્રેસનું કહેવું છે.
માહિતી જાહેર નહીં થાય તો આંદોલનની ચીમકી
અમિત ચાવડાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચૂંટણી પંચ આવતીકાલ સુધી ફોર્મ-7 ભરનાર અરજદારોની વિગત જાહેર નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે. મતદારોને સાથે લઈ તમામ કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે. તેમ છતાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે.
“મતાધિકાર છીનવવા માટે કાવતરું રચાયું”
અમિત ચાવડાએ કહ્યું કે લોકોના કિંમતી મતાધિકારને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વોટચોરી અને મતાધિકાર હરણ અંગે રાહુલ ગાંધીએ ઓગસ્ટ 2025માં મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2025થી ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરૂ થઈ. ચૂંટણી પંચે મતદાર યાદી શુદ્ધ કરવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં લોકશાહી માટે ખતરારૂપ સ્થિતિ સર્જાઈ છે.
SIR પ્રક્રિયા દરમિયાન તેમણે BLO (બૂથ લેવલ ઓફિસર) પર માનસિક દબાણ અને ત્રાસનો પણ આક્ષેપ કર્યો હતો. એક BLOએ આ ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
ફોર્મ નંબર-7 શું છે?
19 ડિસેમ્બરે મતદાર યાદી જાહેર થયા બાદ જોગવાઈ મુજબ:
- નામ ઉમેરવા માટે ફોર્મ નંબર-6
- નામ સામે વાંધો નોંધાવવા માટે ફોર્મ નંબર-7
- વિગતો સુધારવા માટે અન્ય ફોર્મ
ફોર્મ નંબર-7 દ્વારા કોઈપણ વ્યક્તિ પુરાવા સાથે મતદાર યાદીમાં નોંધાયેલા નામ સામે વાંધો ઉઠાવી શકે છે.
ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ પણ આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલું છે. કચેરીઓમાં લાગેલા CCTV કેમેરા ચેક કરવાથી કોણ અને કેટલા ફોર્મ લઈને આવ્યા તે સ્પષ્ટ થઈ શકે તેમ છે. તેમ છતાં માંગ છતાં ફોર્મ-7ની વિગતો રાજકીય પક્ષોને આપવામાં આવી નથી કે પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવી નથી.
કોંગ્રેસનો દાવો છે કે ભાજપના નેતાઓ ખુદ કચેરીમાં આવીને ફોર્મ-7 જમા કરાવી રહ્યા છે.
BLOનો ખુલાસો: એક બુથમાં 88 ફોર્મ-7
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક BLOએ જણાવ્યું કે તેમના બુથ નંબર 253માં એકસાથે 88 ફોર્મ નંબર-7 કચેરીમાં જમા કરાવવામાં આવ્યા. BLOએ રાત-દિવસ મહેનત કર્યા બાદ પણ આ રીતે એક સાથે ફોર્મ ભરાવાથી ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે.
18 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 10 લાખથી વધુ ફોર્મ-7 જમા થયાનો કોંગ્રેસનો દાવો છે.
ખોટી માહિતી અને FIRની માંગ
અમિત ચાવડાએ જણાવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો કોઈ અધિકારી અથવા અરજદાર ખોટી માહિતી આપે, ખોટો એકરાર કરે કે ખોટા પુરાવા સાથે ફોર્મ-7 ભરે તો તેની સામે FIR અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એક વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.
ચકાસણીમાં સામે આવ્યું છે કે ઘણા ફોર્મ-7માં મોબાઇલ નંબર ખોટા લખાયેલા છે, ફોર્મની લખાવટ એકસરખી છે અને માહિતી કમ્પ્યુટરજનિત લાગે છે.
જીવિત વ્યક્તિને મૃત બતાવી
ખંભાતમાં એક કોર્પોરેટરના માતાને જીવિત હોવા છતાં મૃત બતાવી ફોર્મ-7 ભરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ઘણા મતદારો કહે છે કે તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નથી કે કોઈ સહી કરી નથી. આથી સ્પષ્ટ થાય છે કે સંગઠિત રીતે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે.
કોંગ્રેસની મુખ્ય માંગણીઓ
- દરેક બુથ પર આવેલા ફોર્મ નંબર-6 અને 7ની વિગતો જાહેર કરવી
- માહિતી રાજકીય પક્ષોને અને પબ્લિક ડોમેઇનમાં મૂકવી
- ખોટી અરજીઓ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
- કયા દિવસે, કયા વ્યક્તિએ ફોર્મ આપ્યું તેની વિગતો અને CCTV ફૂટેજ જાહેર કરવી
કોંગ્રેસે જણાવ્યું કે જો પુરાવા સાથે સાચો વાંધો હોય તો યોગ્ય તપાસ કરીને ખોટા મતદારનું નામ રદ કરવામાં વાંધો નથી, પરંતુ પુરાવા વગર ફોર્મ સ્વીકારવું બંધ થવું જોઈએ.
મતદારોને અપીલ
અમિત ચાવડાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે 30 તારીખ પહેલા પોતાના મતદાન મથક પર જઈ મતદાર યાદી ચેક કરી લે. જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીઓ પર ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના પણ ગંભીર આક્ષેપ
આમ આદમી પાર્ટીએ પણ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં ગોટાળા હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે 9 લાખથી વધુ નામ કમી કરવાની ખોટી અરજીઓ આવી છે. જામખંભાળિયામાં એક વિધાનસભામાંથી 10 હજાર મત રદ કરવાની યોજના હોવાનો આરોપ લગાવ્યો છે.
AAPએ જણાવ્યું કે જો એક પણ ખોટું નામ કમી થયું તો IROથી લઈને કલેક્ટર સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાશે.
SIR પ્રક્રિયામાં ફોર્મ નંબર-7ને લઈને ઉઠેલા આક્ષેપો રાજ્યની લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. હવે ચૂંટણી પંચ શું પગલાં લે છે અને માંગેલી વિગતો જાહેર કરે છે કે નહીં તેના પર સમગ્ર મામલાનું ભવિષ્ય નિર્ભર છે.
