Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં મતદાર (voter) યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR)-2025 અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ થતાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ડ્રાફ્ટ મતદાર (voter) યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું સફળતાપૂર્વક ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
50થી વધુ મતદાર (voter) સહાયતા કેન્દ્રો શરૂ
ડ્રાફ્ટ મતદાર (voter) યાદી પ્રસિદ્ધ કરવાના પ્રસંગે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોની તમામ ERO કચેરીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓમાં મળીને 50થી વધુ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર નાગરિકો ડ્રાફ્ટ મતદાર (voter) યાદી જોઈ શકશે તેમજ વાંધા-દાવાઓ રજૂ કરી શકશે.

ASD મતદારો (voter)ની યાદી વેબસાઇટ પર ઉપલબ્ધ
અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોમાંથી 14,52,816 એટલે કે આશરે 23 ટકા મતદારો ASD (મૃત્યુ પામેલા, ગેરહાજર/અનટ્રેસેબલ, કાયમી સ્થળાંતરિત તથા અન્ય કારણોસર) તરીકે નોંધાયેલા છે. આવા મતદારોની વિગતવાર યાદી https://ahmedabad.nic.in/ તથા https://ahmedabad.gujarat.gov.in/ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
ઓનલાઇન અને ઓફલાઇન વાંધા-દાવાની સુવિધા
મતદારો પોતાના નામમાં સુધારા, નવું નામ ઉમેરવું કે નામ કમી કરવા માટે વાંધા-દાવાઓ ERO કચેરીઓ, સહાયતા કેન્દ્રો ઉપરાંત voters helpline app મારફતે ઓનલાઇન પણ રજૂ કરી શકશે. આ અંગે માર્ગદર્શન માટે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પર પણ માહિતી મેળવી શકાશે.
737 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી સમક્ષ 737 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. આ અધિકારીઓ દરરોજ આશરે 50 જેટલા વાંધા-દાવાઓની સુનાવણી કરશે.
રાજ્યમાં અમદાવાદ જિલ્લાનું મહત્વ
અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12 ટકાથી વધુ મતદારો નોંધાયેલા છે અને વિધાનસભાની બેઠકોની સંખ્યા પણ તે પ્રમાણે વધુ છે. આવી વિશાળ મતદાર સંખ્યા હોવા છતાં SIR-2025 અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
શું છે ફોર્મ-6, 7 અને 8?
ફોર્મ-6 : નવું નામ ઉમેરવા માટે
ફોર્મ-7 : નામ કમી કરવા અથવા વાંધો રજૂ કરવા માટે
ફોર્મ-8 : નામમાં સુધારો, સ્થળાંતર, નવું ચૂંટણી કાર્ડ કઢાવવા તથા દિવ્યાંગતા નોંધાવવા માટે
