Ahmedabad Airport Bomb Threat: અમદાવાદ શહેરના ગુજસેલ એરપોર્ટ (GUJSAIL) અને અનેક નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈમેઈલ કેસનો સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ધમકીભર્યો મેઈલ કરનાર કોઈ રીઢો ગુનેગાર કે આતંકવાદી નથી, પરંતુ અમદાવાદનો જ એક ઉચ્ચ શિક્ષિત અને આર્થિક રીતે સદ્ધર કન્સ્ટ્રક્શન બિઝનેસમેન નીકળ્યો છે. પોલીસે આરોપી ભાવેશ પટેલની અટકાયત કરીને આ સમગ્ર કાવતરા પાછળનો હેતુ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Ahmedabad : શું હતો ધમકીભર્યો ઈમેઈલ?
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 25 માર્ચ 2026 ના રોજ એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર ઈમેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં ગંભીર ચેતવણી આપતા લખવામાં આવ્યું હતું કે, “અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવે, જો તેમ નહીં થાય તો ગુજસેલ એરપોર્ટ અને અમદાવાદની શાળાઓમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.” આ મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
ડીલીટ થયેલો મેઈલ રિસાયકલ બિનમાંથી શોધ્યો
આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચના DCP ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી એડ્રેસના આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, આ મેઈલ ‘[email protected]’ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો.
પોલીસે તાત્કાલિક ભાવેશ પટેલ નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ભેજાબાજ આરોપીએ મેઈલ કર્યા બાદ તેને ડીલીટ કરી દીધો હતો, પરંતુ સાયબર એક્સપર્ટ્સે તેના મોબાઈલના રિસાયકલ બિનમાંથી આ મેઈલના પુરાવાઓ શોધી કાઢ્યા હતા. પુરાવાઓ સામે આવતા જ આરોપી ભાવેશે મેઈલ કર્યાની કબૂલાત કરી લીધી હતી.
કોણ છે આરોપી ભાવેશ પટેલ?
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ભાવેશ પટેલ B.Com સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. તે કન્સ્ટ્રક્શનના મોટા બિઝનેસ સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે ખૂબ જ સુખી સંપન્ન છે. એટલું જ નહીં, તે પોતાના એક મિત્રની કંપની સાથે મળીને જે ગુજસેલ એરપોર્ટ પર ધમકી આપી હતી, ત્યાં જ વિવિધ ઈવેન્ટ મેનેજમેન્ટના કામ પણ કરતો હતો.
ક્યા કારણોસર આપી ધમકી?
એક સદ્ધર બિઝનેસમેને આવું ગંભીર ગુનાહિત કૃત્ય કેમ કર્યું? તે બાબત પોલીસ માટે પણ તપાસનો વિષય બની છે. DCP ડો. લાવિના સિન્હાએ જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ એરપોર્ટના કોઈ કામકાજને લગતી અંગત અદાવતમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે. જોકે, આરોપી સૌરભ વિશ્વાસ સાથે તેનો શું સંબંધ છે? તેણે જાતે આ કાવતરું ઘડ્યું કે કોઈના કહેવાથી મેઈલ કર્યો? તે તમામ બાબતો સઘન પૂછપરછ બાદ જ સ્પષ્ટ થશે.
