Gandhinagar News/ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી

રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે (Minimum Support Price)વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત

Gujarat Gandhinagar
લઘુત્તમ ટેકાના ભાવે(Minimum Support Price) બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે

Gandhinagar News : ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે બાજરી રૂ. 2,775 પ્રતિ ક્વી., જુવાર-માલદંડી માટે રૂ. 3,749 પ્રતિ ક્વી., જુવાર-હાઈબ્રીડ માટે રૂ. 3,699 પ્રતિ ક્વી. તથા મકાઈ માટે રૂ. 2,400 પ્રતિ ક્વી. લઘુત્તમ ટેકાનો દર(Minimum Support Price) નિયત કરવામાં આવ્યો છે. ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300 પ્રતિ ક્વી. બોનસની ચુકવણી કરવામાં આવશે.

જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે(Minimum Support Price) બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

નોંધણી

લઘુત્તમ ટેકાના ભાવે (Minimum Support Price)બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. 01થી 30 એપ્રિલ, 2026 સુધી કરવામાં આવશે તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તા. 01 મે થી 15 જુલાઇ, 2026 સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

ડોક્યુમેન્ટ્સ

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે (Minimum Support Price)વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

SMS

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

હેલ્પલાઇન નંબર

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 85111717189 ઉપર સંપર્ક કરવાનો રહેશે.


આ પણ વાંચો : રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે

આ પણ વાંચો : સરકારે લઘુત્તમ ટેકાના ભાવે 41 હજારથી વધુ ખેડુતો પાસેથી ડાંગર ખરીદીને 1 હજાર 82 કરોડ ચૂકવ્યા

આ પણ વાંચો : ગુજરાતમાં ટેકાના ભાવે ચણા-રાયડાની ખરીદી શરૂ, ખેડૂતોમાં ભારે ઉત્સાહ