Surat News: નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ પિસ્ટલમાંથી થયેલા મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)ના ગંભીર કેસમાં હવે ખાતાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પોલીસ ચોકીમાં થયેલા ફાયરિંગમાં આશરે 125થી 130 ફૂટ દૂર લારી ચલાવી રહેલા અરવિંદભાઈ અંબુભાઈ પટેલને ગોળી વાગી હતી. ઘટનાને પગલે વિવાદમાં આવેલા PSI પી. એચ. મકવાણાની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ PSI મકવાણા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોડેડ સરકારી પિસ્ટલમાંથી અચાનક ફાયરિંગ
મળતી માહિતી મુજબ, નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ દરમિયાન PSI પી. એચ. મકવાણા પોતાની સરકારી 9mm ગ્લોક પિસ્ટલ સંભાળી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ફાયરિંગ થયું હતું. ફાયરિંગ દરમિયાન છૂટેલી ગોળી પોલીસ ચોકીમાં રાખવામાં આવેલા આશરે 5 લિટરના પાણીના જગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ ગોળી બહાર નીકળી આશરે 125થી 130 ફૂટ દૂર પહોંચી હતી અને ત્યાં લારી ચલાવી રહેલા 45 વર્ષીય અરવિંદભાઈ અંબુભાઈ પટેલને વાગી હતી. ગોળી પેટના ભાગમાંથી આરપાર નીકળી જતા અરવિંદભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અરવિંદભાઈ હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Surat PSI Misfiring Case: એક ગોળી છૂટી, બીજી બેરલમાં ફસાઈ
આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પિસ્ટલમાંથી એક ગોળી છૂટ્યા બાદ બીજી ગોળી બેરલમાં જ ફસાઈ ગઈ હતી. મિસફાયરિંગ (Surat PSI Misfiring Case) પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે હથિયારને ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યું છે. ફાયરિંગ કોઈ ટેકનિકલ ખામીના કારણે થયું હતું કે હથિયાર સંભાળવામાં બેદરકારી થઈ હતી, તે FSLના રિપોર્ટ અને વિભાગીય તપાસ બાદ સ્પષ્ટ થશે.
PSI વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
નિર્દોષ નાગરિકને ગોળી વાગવાની ઘટનાને પગલે PSI પી. એચ. મકવાણા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 125(B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PSIની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
તપાસ બાદ સસ્પેન્શનની શક્યતા
હાલમાં પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. FSL રિપોર્ટ ઉપરાંત મિસફાયરિંગ (Surat PSI Misfiring Case) કેવી રીતે થયું, સર્વિસ હથિયાર કઈ રીતે હેન્ડલ કરવામાં આવ્યું અને તેમાં કોઈ નિયમભંગ કે બેદરકારી થઈ હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ થશે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રાથમિક ખાતાકીય કાર્યવાહી તરીકે PSI મકવાણાની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે અને તપાસના રિપોર્ટના આધારે તેમના સસ્પેન્શનનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ઈજાગ્રસ્ત અરવિંદભાઈની સારવાર ચાલુ
પોલીસ ચોકીમાંથી થયેલા ફાયરિંગમાં રસ્તા પર લારી ચલાવી રહેલા અરવિંદભાઈને ગોળી વાગતાં સમગ્ર ઘટના ગંભીર બની હતી. અચાનક થયેલા ફાયરિંગથી જાહેર સ્થળે રહેલા લોકોની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા છે.
હાલ અરવિંદભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, પોલીસ વિભાગની તપાસ અને FSL રિપોર્ટ બાદ જ મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)નું ચોક્કસ કારણ અને PSI સામેની અંતિમ ખાતાકીય કાર્યવાહી સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:Surat PSI Misfiring Case: પિસ્ટલમાં 2 ગોળી, ફસાયેલી ગોળી કાઢતાં ફાયરિંગ; લારીચાલકની હાલત સ્થિર
આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી
આ પણ વાંચો:સુરતમાં તુંડી ગામે નજીવી બાબતે થયું ફાયરિંગ
