ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના સેકડો માછીમારો સૈરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ઓખા જખોબંદર પર રોજીરોટી મેળવવા ફિસીંગ બોટમાં માછીમારીના વ્યવસાય કરવા જતાં હોય છે.
આ દરમ્યાન પ્રતિબંધ વિસ્તારોમાંથી પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્રારા દરીયાના ખેડૂતોને પકડી ઉઠાવી જતાં હોય અને આવા સાગર ખલાસીઓ પાકિસ્તાન જેલમાં લાંબો સમય રહેતા હોય છે. અને અનેક ખલાસીઓ બિમારીના કારણે મોત થતાં હોવાની ઘટનાઓ અવાર નવાર આવતી હોય છે. મૃતક સાગર ફિસરમેનોને પોતાના માદરે વતન લાવવા ભારે મુશ્કેલી ઉભી થાય છે. અનેક લડત પછી મૃતદેહ માદરે વતન આવે ત્યાર પછી તેના અંતિમ સંસ્કાર કરવા પડે છે.
ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના માછીમાર નાનુભાઇ રામભાઇ કામળીયાનું ગત તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ શ્વાસની તકલીફના કારણે બિમાર પડતા પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા હોવાના સમાચાર પત્ર દ્રારા પરીવારને મળતા આખો પરીવાર ગમગીની બની જતાં શોક છવાયો છે.
વેરાવળની રાજકમલ નામની ફિસીંગ બોટ નં.જીજે ૧૧ એમ એમ ૧૨૯૦૪ દરીયામાં નવે.૨૦૧૮માં ભારતીય જળસીમા માંથી પકડી પાકિસ્તાન મરીન સિક્યુરીટી લઇ ગયા બાદ નાનુભાઇ રામભાઇને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. અને બિમારી સબક ગત તા.૩ ફેબ્રુ.ના રોજ નાનુભાઇ કામળીયાનું મોત થયેલ.
આ મોત અંગે સરકારે પરીવારને અજાણ રાખ્યો હોવાનો આક્ષેપ મૃતકના ભત્રીજા ગોવિંદભાઇ મનુભાઇએ કરી જણાવેલ કે અમારા પરીવારને જેલમાં રહેલા અન્ય માછીમારએ પત્ર લખેલ અને તે મળતા તેમાં નાનુભાઇ કામળીયાનું મોત બિમારીના કારણે થયેલ હોવાના સમાચાર આપતા આખો પરીવાર ગમગીન સ્થિતીમાં શોકમાં મુકાયેલ છે. હજુ
સુધી ભારત સરકારે મૃતકના પરીવારનો સંપર્ક કરેલ નથી. આ મૃતક માછીમારનો મૃતદેહ વહેલીતકે તેમના માદરે વતન વાંસોજ ગામે લાવવા સરકાર તાત્કાલીક પ્રયત્ન હાથ ધરે તેવું મૃતકના ભત્રીજા ગોવિંદભાઇ તથા બીજલભાઇએ મીડીયા સમક્ષ માંગણી કરેલ છે.
લાડી જેલ માંથી સંજયનો પત્ર મળ્યો અને ખબર પડી….
આ બાબતે મૃતક નાનુભાઇ કામળીયાના ભત્રીજા ગોવિંદભાઇએ જણાવેલ કે પાકિસ્તાનના લાડી જેલ માંથી સંજય નામના ખલાસીનો તા.૧૪ ફેબ્રુ.૨૦૨૨નો લખેલ પત્ર વાંસોજ ગામે આવતા તેમાં નાનુભાઇ કામળીયાનું તા.૩ ફેબ્રુ.૨૦૨૨ ના રોજ મૃત્યુ પામ્યાનું જણાવેલ છે.
