Vadodara News: વડોદરાનાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઈન્ડિયન ટીમનાં કોચ અંશુમાન ગાયકવાડે બુધવાર રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની આવી પહોંચ્યા છે. સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાનેથી શણગારેલી સબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નિકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી. હાલ અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી છે.
અંશુમન ગાયકવાડની ગંભીર હાલત જોઈને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલ દેવે અંશુમાનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આજે બપોરે 12 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહાપુરા સ્થિત નિવાસસ્થાને નશ્વર દેહને રખાયો છે. અંતિમયાત્રામાં પૂર્વ ક્રિકેટરો પણ જોડાશે. કીર્તિ મંદિર ખાતે અંતિમવિધિ કરાશે.
અંશુમાન એક સમયે ભારતીય ક્રિકેટના ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા હતા. થોડા દિવસો અગાઉ કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જો પરિવાર અમને મંજૂરી આપે તો અમે અમારી પેન્શનની રકમ ફંડમાં આપવા તૈયાર છીએ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ એક દુ:ખદ સમાચાર છે. મને દુઃખ થાય છે, કારણ કે હું અંશુની સાથે રમ્યો છું અને તેને આ સ્થિતિમાં જોઈ શકતો નથી. આવું તો કોઈએ ભોગવવું ન જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેની કાળજી લેશે.’ તેમણે એ પણ કહ્યું હતું કે ‘અમે કોઈને દબાણ કરતા નથી. અંશુ માટે કોઈપણ મદદ કરી શકો છો. અંશુ એ વખતના ફાસ્ટ બોલર્સ સામે ઊભો રહીને રમ્યો છે. હવે સમય છે કે આપણે તેના આ કપરા સમયમાં સાથે ઊભા રહીએ. મને ખાતરી છે કે ક્રિકેટના ચાહકો મને નિરાશ નહીં કરે. તેમણે અંશુમાનની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ.’ મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા હતા.

અંશુમાનની ક્રિકેટ કારકિર્દી
અંશુમાને 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ટેસ્ટ મેચમાં તેમનો છેલ્લો દેખાવ કોલકાતા ટેસ્ટમાં હતો જે 1984ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે થયો હતો. ગાયકવાડે 1975-1984 સુધી 40 ટેસ્ટ મેચની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેમના નામે 20.69ની એવરેજથી 269 રન છે.

71 વર્ષીય અંશુમાને 206 ફર્સ્ટ ક્લાસ મેચમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચ પણ રમી હતી, જેમાં તેમણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમાને કોચિંગને તેમની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. જૂન 2018માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કર્યા હતા. અંશુમાન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
PM મોદીએ ટ્વીટ કરી સાંત્વના પાઠવી
Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 31, 2024
અમિત શાહે સાંત્વના પાઠવી
Deeply saddened by the demise of Anshuman Gaekwad Ji, a legendary cricketer whose cricketing skills enhanced the pride of Indian cricket. My heartfelt condolences are with his family and followers during this hour of grief. Om Shanti
— Amit Shah (@AmitShah) July 31, 2024
આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગમાં 22 ઠેકાણે સીઆઈડી ક્રાઈમનો સપાટો, દેહવ્યાપાર, દારૂ અને ફોરેનર એક્ટના ગુના દાખલ
