Not Set/ યુપીમાં તાવ પછી બાળકોના મૃત્યુ, કારણ જાણીને થશે ચિંતા

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ વાયરસ સેરોટાઇપ 2  ખૂબ જ ખતરનાક છે અને તેની માટે કોઇ રસી પણ નથી, આપણે ડેન્ગ્યુ સામે લડવાની જરૂર છે

Top Stories

ઉત્તર પ્રદેશના મથુરા, આગ્રા અને ફિરોઝાબાદ જિલ્લામાં મોટાભાગના મોત ડેન્ગ્યુ તાવને કારણે થયા છે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે આજે જણાવ્યું હતું કે આ રાજ્યોમાં મોટાભાગના મોત ડેન્ગ્યુના D-2 સ્ટ્રેનને કારણે થયા છે. અને આ સ્ટ્રેન ખતરનાક છે. નીતિ આયોગ (આરોગ્ય) ના સભ્ય ડો.વી.કે. પોલે લોકોને સલામતીનાં પગલાં પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ડેન્ગ્યુને કારણે ઘણી પ્રકારની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

ડોક્ટર વી કે પોલે જણાવ્યું હતું કે આ રોગથી બચવા માટે મોક્યુટો નેટનો ઉપયોગ કરવો જોઇએ કારણ કે ડેન્ગ્યુ મૃત્યુનું કારણ બની શકે છે. અમારી પાસે ડેન્ગ્યુની રસી પણ નથી માટે ડેન્ગ્યુને ગંભીર રોગ તરીકે લેવાની જરૂર છે  આપણે ડેન્ગ્યુ સામે લડવાની જરૂર છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ વાયરસ સેરોટાઇપ 2  ખૂબ જ ખતરનાક છે. તાજેતરમાં એક કેન્દ્રીય ટીમે ફિરોઝાબાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. ટીમે કહ્યું હતું કે અહીં મોટાભાગના મોત ડેન્ગ્યુના કારણે થયા છે.

ઉલ્લેખનીય છે કે,  ફિરોઝાબાદમાં વાયરલ અને ડેન્ગ્યુ તાવનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો,  વધુ બે બાળકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 57 થયો છે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંગીતા અનેજાએ આજે જણાવ્યું હતું કે કોલેજના પેડિયાટ્રિક આઇસોલેશન વોર્ડમાં 403 દર્દીઓ દાખલ છે. મેડિકલ કોલેજના આ વોર્ડમાં સારવાર દરમિયાન ગુરુવારે બે બાળકોના મોત થયા હતા, જેમાં એક બાળક પાંચ વર્ષનો અને બીજી છોકરી 12 વર્ષની છે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસથી મેડિકલ કોલેજમાં દાખલ દર્દીઓની સંખ્યા સતત વધી રહી હતી, જો કે મૃત્યુઆંક અંકુશમાં હતો અને ત્રણ દિવસમાં કોઈ દર્દીનું મોત થયું ન હતું.  જોકે,  સાંજે તેમણે મેડિકલ કોલેજની અખબારી યાદીમાં બે બાળકોના મોતની માહિતી શેર કરી હતી.

આ દરમિયાન, મેડિકલ કોલેજની બહારના કેટલાક પરિચારકોએ આરોપ લગાવ્યો હતો કે તેમના સગાઓ જે દર્દી તરીકે હોસ્પિટલમાં એડમીટ છે તે સંપૂર્ણપણે સ્વસ્થ ન હોવા છતાં તેમને રજા આપવામાં આવી રહી છે.  આ બાબતે તપાસ કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે,  રાજધાની લખનૌથી 320 કિમી દૂર સ્થિત ફિરોઝાબાદ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ડેન્ગ્યુ અને જીવલેણ વાયરલ તાવ સામે લડી રહ્યું છે, જેમાં મોટાભાગના પીડિતો બાળકો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક કેસ મથુરા, આગ્રા અને મૈનપુરીના પડોશી જિલ્લાઓમાં પણ જોવા મળ્યા છે.