શહાદત/ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ઘાયલ થયેલા આર્મી જવાન કુલભૂષણ માનતાનું નિધન, આવતી કાલે લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન સૈનિક કુલભૂષણ માનતાએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું

Top Stories India Others

કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન સૈનિક કુલભૂષણ માનતાએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આતંકીની ગોળીથી ઘાયલ થયેલા આર્મી જવાનનું હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. બારામુલા જિલ્લાના વશરન ગામમાં એક પાકિસ્તાની આતંકવાદીની હાજરી વિશેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 26 ઓક્ટોબર 22 ના રોજ સવારે 5.00 વાગ્યે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

બુધવારે સવારે જ્યારે સર્ચ શરૂ થયું અને સર્ચ પાર્ટી જંગલ તરફ આગળ વધી રહી હતી ત્યારે આતંકીઓએ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો. સર્ચ ટીમે પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ ગોળીબારમાં રાઈફલમેન કુલભૂષણ માનતાને ગોળી વાગી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક રોડ માર્ગે જીએમસી બારામુલા લઈ જવામાં આવ્યા હતા.

બારામુલાથી ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને 92 બેઝ હોસ્પિટલ, શ્રીનગરમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, 27 ઓક્ટોબર 22 ના રોજ સવારે 11.45 વાગ્યે, તેમને હૃદયરોગનો હુમલો થયો અને તેમને બચાવી શકાયા નહીં. બહાદુર સૈનિકની શહાદત બપોરે 12.30 કલાકે જાહેર કરવામાં આવી હતી.

સેના વતી રાઈફલમેન કુલભૂષણ માનતાની શહાદતને સલામ કરતાં કહેવામાં આવ્યું છે કે સૈનિકની શહાદત એ ભારતીય સેનાના મૂલ્યો, પરંપરાઓ અને આચારનું પ્રતીક છે. બહાદુર રાઈફલમેન કુલભૂષણ માનતાના પરિવારમાં તેમની પત્ની નીતુ કુમારી છે. વીરના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન ગામ ગોંથ, પોસ્ટ મંજોલી, તહેસીલ કુપવી, જિલ્લા શિમલા, હિમાચલ પ્રદેશમાં મોકલવામાં આવશે અને 28 ઓક્ટોબર 22 ના રોજ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.