ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવીને ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાને ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 43.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ અને જોશ ઈંગ્લિસની અડધી સદીની મદદથી 89 બોલ બાકી રહેતાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ કુસલ પરેરા અને પથુમ નિસાન્કાની અડધી સદીના કારણે 43.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 અને મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે સારી શરૂઆત કરી હતી. પથુમ નિસાંકા અને કુસલ પરેરા વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી થઈ હતી. પથુમ નિસાંકા 67 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ પરેરા 82 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન પેટ કમિન્સે બંને વિકેટ લીધી હતી.
આ પછી સ્પિનર એડમ ઝમ્પાએ કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમાને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત લાવ્યું હતું. વરસાદને કારણે મેચ થોડો સમય માટે રોકી દેવામાં આવી હતી અને ફરી શરૂ થતાં જ મિચેલ સ્ટાર્કે ધનંજય ડી સિલ્વાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડ્યુનિથ વેલાલાઘે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ઝમ્પાએ ચમિકા અને તિક્ષાનાને આઉટ કર્યા હતા. સ્ટાર્કે લાહિરુને આઉટ કર્યો હતો. મેક્સવેલે અસલંકાને આઉટ કરીને શ્રીલંકાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.
