મુંબઈમાં બેન્ક ઓફ બરોડાના ૨૭ લોકરમાંથી સોનાના દાગીના અને કિંમતી વસ્તુઓની ચોરી કરાતા ખળભળાટ મચી ગયો છે. બેન્કની બાજુની દુકાન ભાડા પર લઈ આરોપીએ અંદાજે ૨૫ ફૂટ લાંબી ટનલ બનાવી હતી. નવી મુંબઈના એસીપી કિરણ પાટિલે જણાવ્યું હતું કે જુઈનગર સેકટર નં.૧૧માં આવેલી બેન્કની બાજુમાં જ કરિયાણાની દુકાન છે. આરોપીઓએ બેંકની બાજુની દુકાન ભાડા પર લઈ ત્યાંથી ટનલ બનાવી હતી. આ દુકાનમાં જમીન ખોદીને આરોપીએ બેન્કના લોકરરૃમ સુધી ટનલ બનાવી હતી. જેના આધારે આરોપી બેન્કના લોકરરૃમમાં ઘૂસ્યા હતા. તેમણે ૨૭ લોકર તોડીને સોનાના દાગીના અને લાખો રૃપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આરોપીએ અન્ય ત્રણ લોકર તોડયા હોવાનું પણ જાણવામાં આવ્યું હતું. પણ એમાંથી ચોરી થઈ છે કે નહીં તે હજી જાણી શકાયું નથી.
બેન્કમાં ૨૨૫ લોકર હતા. આ ટનલથી જ આરોપી પલાયન થઈ ગયા હતા. બેન્ક શનિવાર અને રવિવારે બંધ હતી. જયારે સવારે ગ્રાહક અને બેન્કના કર્મચારી લોકર રૃમમાં ગયા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બેન્કના સીસીટીવી કેમેરાની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય બેન્કની બાજુમાં આવેલી દુકાનના માલિક અને અન્ય વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોેપીએ આટલી લાંબી ટનલ બનાવી પણ અન્ય કોઈને આ બાબતની જાણ ન થઈ એ બાબતે પણ આશ્ચર્ય વ્યકત કરવામાં આવી રહ્યું છે.
