Banking Sector Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વના પગલાં ભર્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન બેન્કિંગ પ્રક્રિયાને સરળ બનાવવા અને દેશના આર્થિક વિકાસને વેગ આપવા પર છે. આ માટે ખાસ ‘હાઈ-લેવલ બેન્કિંગ કમિટી’ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બેન્કિંગ ક્ષેત્ર માટે હાઈ-લેવલ કમિટી
નાણામંત્રીએ જણાવ્યું કે ભારતીય બેન્કિંગ પ્રણાલીની બેલેન્સશીટ અત્યારે ખૂબ મજબૂત છે. આ ગતિને જાળવી રાખવા અને બેન્કિંગ ક્ષેત્રમાં જરૂરી સુધારા કરવા માટે ‘હાઈ લેવલ કમિટી ઓન બેન્કિંગ ફોર ડેવલપ ઇન્ડિયા’ ની રચના કરવામાં આવશે. આ કમિટી બેન્કિંગ સુધારા અને ગ્રાહકોની સુવિધા માટે નવા રોડમેપ તૈયાર કરશે.
NBFC માટે નવો વિઝન અને સુધારા
સરકારે બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) માટે એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. નાણામંત્રીએ ભાર મૂક્યો હતો કે બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા આધારિત વિકાસ ચાલુ રહેશે. આ ઉપરાંત, વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન નિયમો (FEMA) ની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે, જેથી વિદેશી રોકાણ અને વ્યવહારો વધુ સરળ બની શકે.

બોન્ડ માર્કેટને મળશે વેગ: અમૃત યોજના ચાલુ રહેશે
સરકારે કોર્પોરેટ બોન્ડ ક્ષેત્રમાં ભંડોળ અને ડેરિવેટિવ્ઝ માટે નવી તકો ઊભી કરવા પર વિશેષ ભાર મૂક્યો છે, જે અંતર્ગત મોટા શહેરોમાં ઉચ્ચ મૂલ્યના મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ ₹1,000 કરોડથી વધુના સિંગલ બોન્ડ માટે ₹100 કરોડનું પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જ્યારે નાના અને મધ્યમ શહેરો માટે ₹200 કરોડ સુધીના બોન્ડ વાળી ‘અમૃત યોજના’ (AMRUT) ચાલુ રાખવામાં આવશે જેથી નાના શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાં એકત્ર કરવા સરળ બને.
અન્ય મહત્વની જાહેરાતો
સરકાર દ્વારા કોર્પોરેટ બોન્ડ્સ પર ‘ટોટલ રિટર્ન સ્વેપ’ શરૂ કરવાનો મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે નવા દ્વાર ખોલશે. આ સાથે જ સમગ્ર બેન્કિંગ પ્રણાલીમાં ડિજિટાઈઝેશન અને પારદર્શિતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય લક્ષ્ય સામાન્ય જનતા માટે બેન્કિંગ સેવાઓને વધુ સુલભ, સુરક્ષિત અને આધુનિક ટેકનોલોજી સભર બનાવવાનો છે.
આ પણ વાંચો: બજેટમાં CNG અને બાયોગેસને વધુ સસ્તા બનાવવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત
આ પણ વાંચો: કાપડ ઉદ્યોગને મોટું પ્રોત્સાહન, રાષ્ટ્રીય ફાઇબર યોજના અને હેન્ડલૂમ મિશન
આ પણ વાંચો: ભારત બનશે સુપરફાસ્ટ! દિલ્હી-વારાણસી અને મુંબઈ-પુણે સહિત 7 રૂટ પર હાઈ-સ્પીડ રેલને મંજૂરી
