Ahmedabad News : શનિવારે BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’નું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજનના પગલે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સાબરમતી મોટેરા જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે એસપી રિંગ રોડ પર નાના ચિલોડાથી અપોલો સર્કલ તરફના રોડ ઉપર પણ ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે 5 વાગ્યાથી થવાની છે, પરંતુ લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે.
બપોરે 1:00 વાગ્યા સુધીમાં તમામ કાર્યકરોને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેવા માટે જણાવવામાં આવ્યું છે. એના પગલે સવારથી જ રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લામાંથી લોકોની આવવાની શરૂઆત થશે. કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા કાર્યકર્તાઓ પોતાનાં ખાનગી વાહનો લઈને તેમજ કેટલાક કાર્યકરો બસ મારફત અને મેટ્રો ટ્રેનમાં પણ આવવાના છે, જેથી ભારે અવરજવરને પગલે ટ્રાફિક-પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સાબરમતી જનપથથી મોટેરા તરફ જવા પર અવરજવર કરનારા વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસત ચાર રસ્તાથી જનપથ ચાર રસ્તા થઇને સુભાષ બ્રિજ તરફ જઈ શકાશે. મોટેરા કૃપા રેસિડેન્સી ચાર રસ્તાથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
સરદાર પટેલ રિંગ રોડ પર ભારે વાહનો પર અવરજવરના પ્રતિબંધ હોવાથી ઓઢવ દહેગામ તરફથી આવતાં વાહનો નાના ચિલોડા થઈ અપોલો સર્કલ તરફ આવતાં ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના માર્ગ ઉપર અવરજવર કરી શકશે.જોકે અમદાવાદમાંથી આવનારા મોટા ભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનાં છે. તેમના માટે ટૂ-વ્હીલરનું પાર્કિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક નજીક પરિમલ હોસ્પિટલની બાજુમાં આવેલા રોડ પર પાછળના ભાગે ખાનગી પ્લોટમાં કરવામાં આવ્યું છે, જોકે ટ્રાફિક-પોલીસ દ્વારા સવારથી જ સાબરમતી જનપથ ત્રણ રસ્તા અને મોટેરા ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ આવવાના રોડ રસ્તા બંધ કરી દેવામાં આવશે. તો ટૂ-વ્હીલરના ચાલકો કેવી રીતે પાર્કિંગ સુધી આવી શકશે એ મોટો પ્રશ્ન છે, જેથી ટ્રાફિક-પોલીસ અને BAPS સંસ્થા વચ્ચે સંકલનના અભાવના કારણે જે લોકોને પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવી છે એમાં અવ્યવસ્થા સર્જાઇ શકે છે.