Entertainment News : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ (battle Of galwan) ના ટીઝરે પડોશી દેશ ચીનમાં ખળભળાટ મચાવી દીધો છે. ડિસેમ્બર મહિનામાં ટીઝર રિલીઝ થયા બાદ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ ફિલ્મને લઈને એક વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો છે.
‘બેટલ ઓફ ગલવાન’ (battle Of galwan) ફિલ્મ 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ પર આધારિત છે. ગ્લોબલ ટાઈમ્સે પોતાના લેખમાં દાવો કર્યો છે કે કોઈપણ પ્રકારની સિનેમેટિક સર્જનાત્મકતા કે અતિશયોક્તિપૂર્ણ વાર્તા દ્વારા ઇતિહાસને ફરી લખી શકાય નહીં અને ચીનના સાર્વભૌમ પ્રદેશના રક્ષણ માટે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સંકલ્પને પણ ડગમગાવી શકાય નહીં.
ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ (battle Of galwan) માં કર્નલ સંતોષ બાબુની ભૂમિકા પર પણ ઉલ્લેખ

બેટલ ઓફ ગલવાન’ (battle Of galwan) ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બિક્કુમાલા સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારતીય મીડિયાએ 2020ની ગલવાન ખીણ અથડામણમાં કર્નલ સંતોષ બાબુને મુખ્ય પાત્ર તરીકે રજૂ કર્યા હતા, જેના કારણે આ ઘટના વ્યાપક ચર્ચાનો વિષય બની હતી.
ચીની નિષ્ણાતનો વિવાદાસ્પદ દાવો
ચીનના લશ્કરી નિષ્ણાત સોંગ ઝોંગપિંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે ભારત દ્વારા રાષ્ટ્રવાદી ભાવનાઓ ઉશ્કેરવા માટે ફિલ્મો, ખાસ કરીને બોલીવુડ ફિલ્મોનો ઉપયોગ કરવો નવી વાત નથી. તેમના મતે, ફિલ્મો ઘટનાઓને નાટકીય અથવા અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરી શકે છે. સોંગે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ સરહદ પાર કરી હતી અને PLAએ કાયદા મુજબ ચીની ભૂમિનું રક્ષણ કર્યું હતું.
ગલવાન અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ
ઉલ્લેખનીય છે કે 15-16 જૂન 2020ની રાત્રે, પેટ્રોલિંગ પોઈન્ટ-14 પર ડિસએન્જેજમેન્ટ પ્રક્રિયા દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર અચાનક અને વિશ્વાસઘાતી હુમલો કર્યો હતો. ચીની સૈનિકોએ લોખંડના સળિયા, પથ્થરો અને કાંટાવાળી લાકડીઓથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
આ હુમલા બાદ ભારતે પોતાના સૈનિકોના મૃત્યુની સત્તાવાર કબૂલાત કરી હતી, જ્યારે ચીને લાંબા સમય સુધી આ ઘટના અંગે મૌન રાખ્યું હતું. બાદમાં ચીને ચાર સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો હતો, જોકે અનેક અહેવાલોમાં 40થી વધુ ચીની સૈનિકોના મોતની ચર્ચા કરવામાં આવી હતી. તે સમયના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.
‘બેટલ ઓફ ગલવાન’(battle of galwan) ક્યારે થશે રિલીઝ?
ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ (battle og galwan)નું શૂટિંગ જુલાઈ 2025માં શરૂ થયું હતું. તેનું પ્રથમ શેડ્યૂલ લદ્દાખમાં અને બીજું મુંબઈમાં ફિલ્માવવામાં આવ્યું હતું. ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ (battle og galwan) નું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં ચિત્રાંગદા સિંહ જોવા મળશે. સહાયક કલાકારોમાં અભિલાષ ચૌધરી, અંકુર ભાટિયા, વિપિન ભારદ્વાજ અને હીરા સોહલનો સમાવેશ થાય છે.
ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ (battle og galwan) 17 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
