BBC Documentary Controversy: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગની ટીમનો સર્વે થયો. સૂત્રો મુજબ, IT અધિકારીઓએ 2012થી અત્યાર સુધીના એકાઉન્ટની ડિટેઇલ મેળવી છે. ITના અધિકારીઓએ ફાઈનાન્સ વિભાગના સ્ટાફનાં મોબાઈલ, લેપટોપ-ડેસ્કટોપ જપ્ત કરી લીધા. આવો જોઈએ BBC ડોક્યુમેન્ટ્રી વિવાદ અને આવકવેરાના દરોડા વિશે…
BBC પર દરોડા દરમિયાન ITના અધિકારીઓએ અને BBC ઈન્ડિયાના સંપાદકોની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સંપાદકોએ ITના અધિકારીઓને કોઈપણ એડિટોરિયલ કન્ટેન્ટનો એક્સેસ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ તરફ BBC પોતાના સ્ટાફને મેઇલ કરીને સહકાર આપવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક સવાલનો પ્રામાણિકતાથી જવાબ આપવો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે. ITના અધિકારીઓ લેપટોપ અને ડોક્યુમેન્ટનું સર્ચ કરી રહ્યા છે. આ તરફ BBCએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈની ઓફિસમાં હાજર છે અને તેમને સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. સર્વેનું કામ હજી પણ ચાલુ જ છે. ઓફિસનું કામ પણ શરૂ થઈ ગયું છે.
BBCનો સ્ટાફને મેઇલ, કહ્યું- કોઈપણ માહિતી ડિલિટ ન કરો કે ન છુપાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, BBC મેનેજમેન્ટે કર્મચારીઓને મેઇલ કર્યો છે, જેમાં સ્ટાફને દરેક સવાલનો પ્રામાણિકતાથી જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. BBCએ સ્ટાફને કહ્યું છે કે જો આવકવેરા વિભાગનો સ્ટાફ તમને મળવા માગે તો તમારે તેમને મળવું પડશે. BBCએ ભારતમાં કામ કરતા કર્મચારીઓની મદદ માટે એક હેલ્પલાઈન પણ એક્ટિવેટ પણ કરી છે. સ્ટાફને એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારી વ્યક્તિગત આવક અને આવકવેરા વિશેના પ્રશ્નો સર્વેના દાયરાની બહાર છે અને તમે એનો જવાબ આપવાનો ઇનકાર કરી શકો છો. તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી કોઈપણ માહિતી ડિલિટ કરશો નહીં અથવા એને ઈન્કમટેક્સના અધિકારીઓથી છુપાવશો નહીં.
અમેરિકાએ કહ્યું- ભારતીય અધિકારીઓનો સંપર્ક કરો
USના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું BBC પર કાર્યવાહી લોકશાહીનાં કેટલાંક મૂલ્યોની વિરુદ્ધ છે. ત્યારે તેમણે કહ્યું, અમે BBCની ઓફિસો પર પાડવામાં આવેલી ઈન્કમટેક્સ વિભાગના દરોડા બાબતે જાણીએ છીએ અને સમગ્ર દુનિયામાં પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ. દરેકને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એનાથી અમેરિકા, ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકશાહીને મજબૂતાઈ મળે છે. જોકે BBC પર દરોડા મામલે પૂછવામાં આવેલા સવાલો પર તેમણે કહ્યું- અમે એની હકીકત જાણીએ છીએ, પરંતુ એ બાબતે કંઈ કહી શકીએ નહીં. તમે આ મામલે જાણકારી મેળવવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરો.
દરોડા દરમિયાન દરેક વસ્તુ સ્કેન, જીએસટી, ટેક્સ જેવા કીવર્ડ દ્વારા સર્ચ
સૂત્રો મુજબ, ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ BBCની દરેક કોમ્પ્યુટર સિસ્ટમને સ્કેન કરી છે. કેટલીક સિસ્ટમ સ્કેન કરવાની બાકી છે. એને માર્કિંગ કરવામાં આવી છે, એને પણ સ્કેન કરવામાં આવશે. સિસ્ટમમાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જીએસટી, ટેક્સ, ઈન્કમટેક્સ, બ્લેક મની અને કોશ જેવા કીવર્ડ દ્વારા સર્ચ કર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ એવી કોઈ ફાઈલની તપાસ કરી રહ્યા છે, જે નાણાકીય લેણ-દેણ સંબંધિત હોય.
સંપાદકીય કન્ટેન્ટની તપાસ થઈ નથી. જોકે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની પાસે સિસ્ટમનું સમગ્ર એક્સેસ હતું. પહેલા કહેવામાં આવ્યું હતું કે સંપાદકોએ એક્સેસ આપવાનો ઇનકાર કરી દીધો હતો. BBCમાં સંપાદકીય વિભાગના અનેક લોકોએ સિસ્ટમ એક્સેસનો વિરોધ કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તેમને સમજાવ્યા હતા કે તેઓ સિસ્ટમમાં માત્ર આવક અને નાણાકીય જાણકારીઓ જ જોઈ રહ્યા છે. કર્મચારીઓની હાજરીમાં જ સિસ્ટમને સ્કેન કરવામાં આવી હતી.
દિલ્હીની ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગના 24 અધિકારી હાજર
BBC ઈન્ડિયાની ઓફિસ ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે ઈન્કમટેક્સ વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો હતો. દિલ્હીના KG માર્ગ વિસ્તારમાં HT ટાવરના પાચમા અને છઠ્ઠા માળ પર BBCની ઓફિસ છે. અહીં ITનાં 24 અધિકારીની ટીમે દરોડા પાડ્યા છે. આ તરફ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં BBCનાં સ્ટુડિયોમાં પણ સર્ચ ચાલુ છે.
કોંગ્રેસે કહ્યું- અઘોષિત કટોકટી
BBCની ઓફિસ પર કાર્યવાહીને કોંગ્રેસ સહિત વિપક્ષે PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને એને અઘોષિત કટોકટી જણાવી છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે સરકારની નીતિઓ અને સત્તાધારી પક્ષની ટીકા કરતી પ્રેસ સંસ્થાઓ સામે સરકારી એજન્સીઓનો ઉપયોગ તેમને ડરાવવા કે પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
આ તરફ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. ભાટિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ કદાચ ભૂલી રહી છે કે 1970માં ઈંદિરા ગાંધીએ એક ડોક્યુમેન્ટરી બાબતે BBC પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગે BBCની ઓફિસ પર કાયદેસર રીતે દરોડા પાડ્યા હતા. BBC દુનિયાનું સૌથી ‘ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન’ બની ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે BBCનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એક જ છે.
BBC વર્લ્ડ સર્વિસ હેઠળ દિલ્હી ઓફિસ કામ કરે છે
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC વર્લ્ડ સર્વિસ ટેલિવિઝન બ્રિટિશ સરકારની સંસ્થા છે. તે 40 ભાષામાં સમાચારોનું પ્રસારણ કરે છે. બ્રિટન સંસદની ગ્રાન્ટ દ્વારા એનું ફંડિંગ કરાય છે. તેનું મેનેજમેન્ટ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા થાય છે. તે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગ હેઠળ કામ કરે છે. BBCને એક રોયલ ચાર્ટર હેઠળ વર્ષ 1927માં શરૂ કરવામાં આવ્યું હતું. આવક વેરા વિભાગનાં સૂત્રો પ્રમાણે, BBC ઉપર ઇન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિનો આરોપ છે. જેને લઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. જોકે, આવક વેરા વિભાગ અથવા BBC તરફથી આ દરોડાને લઇને કોઈ અપડેટ આવી નથી. કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને BBC ડોક્યુમેન્ટ્રી ઉપર બેન સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, પહેલાં BBCની ડોક્યુમેન્ટ્રી આવી, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે BBC ઉપર આયકર વિભાગે દરોડા પાડ્યા.
BBC ડોક્યુમેન્ટ્રીનો મામલો શું છે?
હાલમાં જ BBCની એક ડોક્યુમેન્ટ્રી આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી 2002નાં ગુજરાત તોફાન ઉપર હતી. કેન્દ્ર સરકારે પ્રોપેગેન્ડા જણાવી આ ડોક્યુમેન્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને લઇને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. એવામાં વિપક્ષ આયકર વિભાગની રેડને BBCની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર ઉપર નિશાન સાધી રહ્યો છે. મંતવ્ય વિશેષમાં આપણે જાણીશું કે BBCનો માલિક કોણ છે, ફંડિંગ અને કમાણી કેવી રીતે થાય છે, ડોક્યુમેન્ટરીનો વિવાદ શું છે અને આવી કાર્યવાહી અગાઉ થઈ છે કે કેમ?
BBC શું છે અને તેની માલિકી કોની છે?
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC યુનાઈટેડ કિંગડમનું રાષ્ટ્રીય પ્રસારણકર્તા છે. તે વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા મીડિયા હાઉસમાંથી એક છે. સમગ્ર વિશ્વમાં તેના લગભગ 35 હજાર કર્મચારીઓ છે. તે 40 ભાષાઓમાં સમાચારોનું પ્રસારણ કરે છે.
BBC ની શરૂઆત 18 ઓક્ટોબર 1922ના રોજ ખાનગી કંપની તરીકે થઈ હતી. 1926 માં, યુનાઇટેડ કિંગડમ દ્વારા તેને સરકારી સંસ્થા બનાવવામાં આવી હતી. ત્યારથી, BBC રોયલ ચાર્ટર હેઠળ કામ કરે છે. જો કે તે તેના કવરેજ માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. BBCનો હેતુ પણ રોયલ ચાર્ટરમાં લખાયેલો છે. આ મુજબ, ‘BBCએ યુનાઇટેડ કિંગડમના તમામ ભાગોમાં અને વિશ્વભરના લોકો દ્વારા યોગ્ય રીતે સમજાય તેવા સચોટ અને ન્યાયી સમાચાર, વર્તમાન બાબતો અને હકીકતલક્ષી પ્રોગ્રામિંગ પ્રદાન કરવું આવશ્યક છે.’
BBCની હિન્દુસ્તાની સેવાએ તેનું પ્રથમ પ્રસારણ 11 મે 1940ના રોજ કર્યું હતું. આ દિવસે વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. BBC હિન્દુસ્તાની સેવાનો હેતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય ઉપખંડના સૈનિકો સુધી સમાચાર પહોંચાડવાનો હતો. બાંગ્લાદેશનું યુદ્ધ હોય કે ઈન્દિરા ગાંધીની હત્યા હોય કે બીજી કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ઘટના હોય. ઘણા પ્રસંગોએ, BBCએ પ્રથમ અહેવાલ આપ્યો, જેણે લોકોમાં વિશ્વાસ જગાડ્યો. BBC Hindi.com ની શરૂઆત 2001 માં થઈ અને પછી અન્ય ભારતીય ભાષાઓ ઉમેરવામાં આવી.
BBC કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને કમાણી કરે છે?
BBCનું મોટાભાગનું ભંડોળ વાર્ષિક ટેલિવિઝન ફીમાંથી આવે છે. આ ઉપરાંત, તે તેની અન્ય કંપનીઓ જેમ કે BBC સ્ટુડિયો અને BBC સ્ટુડિયોવર્કસમાંથી પણ કમાણી કરે છે. બ્રિટનની સંસદ પણ તેને મંજૂરી આપે છે. વર્ષ 2022 માં, કંપનીને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે બ્રિટિશ સરકારે આગામી બે વર્ષ માટે વાર્ષિક ટેલિવિઝન ફી પર રોક લગાવવાની જાહેરાત કરી. એટલું જ નહીં, સરકારે એમ પણ કહ્યું કે 2027 સુધીમાં તે ફીને સંપૂર્ણપણે ખતમ કરી દેશે.
આવકવેરા વિભાગે BBCની ઓફિસની મુલાકાત કેમ લીધી?
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓનો આરોપ છે. આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેની પુષ્ટિ કરતા BBCએ કહ્યું કે અમે સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ સ્થિતિમાં સુધારો થશે. BBC ઓફિસમાં સર્વેક્ષણ આઈટી એક્ટ, 1961ની કલમ 133A જેવી વિવિધ જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવી શકે છે. આ કાયદો આઈટી વિભાગને છુપી માહિતી એકત્રિત કરવાની સર્વેક્ષણની સત્તા આપે છે. આ કાયદો, અધિકારીને ખાતાની માહિતી, દસ્તાવેજો, રોકડ, સ્ટોક અથવા અન્ય કિંમતી વસ્તુઓની તપાસ કરવા માટે કોઈપણ કેમ્પસમાં પ્રવેશની મંજૂરી આપે છે.
BBCની ઓફિસો પર દરોડા પાડ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અહીં અમે અદાણી કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે. ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’. કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદી પર BBCની ડોક્યુમેન્ટ્રીના કારણે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
BBCનો PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રીનો શું છે વિવાદ?
ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવતી BBCની ડોક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હતી. તેનો પહેલો એપિસોડ 17 જાન્યુઆરીએ અને બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થયો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે અમારા મતે આ એક પ્રોપોગેન્ડાનો ભાગ છે. તેનો હેતુ એક પ્રકારની કથા રજૂ કરવાનો છે, જેને લોકો પહેલાથી જ નકારી ચૂક્યા છે. બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ બ્રિટિશ સંસદમાં આ ડોક્યુમેન્ટ્રી સાથે અસહમતિ વ્યક્ત કરી હતી. BBC ડોક્યુમેન્ટરીનો બીજો એપિસોડ રિલીઝ થાય તે પહેલા કેન્દ્રની મોદી સરકારે 21 જાન્યુઆરીએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ બાદ યુટ્યુબ અને ટ્વિટર પરથી BBC ડોક્યુમેન્ટરીની લિંક્સ હટાવી દેવામાં આવી હતી.
આ પહેલા પણ BBCનું કવરેજ વિવાદોમાં રહ્યું હતું
1970ના દાયકામાં BBC ઈન્દિરા ગાંધી સાથે પણ વિવાદમાં ઉતરી હતી. આ સમયે ફ્રેન્ચ દિગ્દર્શક લુઈસ માલલેએ 2 ડોક્યુમેન્ટ્રી કલકત્તા અને ફેન્ટમ ઈન્ડિયા પ્રકાશિત કરી. આ બંને ડોક્યુમેન્ટ્રીમાં ભારતમાં દૈનિક જીવન બતાવવામાં આવ્યું હતું. ભારત સરકારે તેને ભારતની ખોટી રજૂઆત ગણાવી હતી. આ ડોક્યુમેન્ટ્રી પ્રકાશિત થતાં જ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધનો આ અવાજ દિલ્હી પહોંચ્યો અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેની જાણ થઈ. ઈન્દિરાએ BBCની દિલ્હી ઓફિસ બંધ કરાવી. બે વર્ષ પછી 1972માં BBC ફરી એકવાર ઓન એર થયું હતું.
2008માં, BBCએ તેના એક શોમાં ભારતમાં વર્કશોપમાં કામ કરતા બાળ મજૂરોની તસવીર બતાવી હતી. BBCના આ શો પર પણ ઘણો હોબાળો થયો હતો. જ્યારે સરકારે તપાસ કરી તો BBCના આ ફૂટેજ નકલી હતા. માર્ચ 2015માં, દિલ્હી હાઈકોર્ટે BBCની એક ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ખરેખર, તેમાં નિર્ભયાના દોષિત મુકેશ સિંહને બતાવવામાં આવ્યો હતો. એટલા માટે તેને ઈન્ટરનેટ પર પ્રકાશિત કરવાથી રોકી દેવામાં આવ્યું હતું.
2017 માં, BBCએ જંગલી પ્રાણીઓના શિકારને લગતી એક ડોક્યુમેન્ટરી બહાર પાડી. આનાથી ભારતની ઈમેજ પર ઊંડી અસર પડી, જે બાદ સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. BBCએ પહેલા પણ ભારતના કાયદાઓ તોડીને ડોક્યુમેન્ટ્રીઓ બનાવી છે. નિર્ભયા કેસમાં જેલમાં વીડિયોગ્રાફી કાયદા વિરૂદ્ધ છે પરંતુ BBCએ જેલમાં વિડીયોગ્રાફી કરી હતી અને તેણે સુપ્રીમ કોર્ટના પણ અનેક કાયદા તોડ્યા હતા. જેમાં નિર્ભયાનું સાચુ નામ કે ફોટો પ્રકાશિત કરવો, આરોપીના વકિલ સાથે વાતચીત કરી આરોપીઓનો પક્ષ જાહેરમાં રાખવો અને બળાત્કાર જેવી ઘટનાને સમાજહિતમાં ગણાવવી જેવી બાબતો ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવી હતી. ત્યારે પણ આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકાયેલો. એટલે આ પહેલી વાર નથી કે BBCની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લદાયો હોય. BBCએ પણ ભારતના કાયદાઓનું સન્માન રાખવું પડશે. જો સુપ્રીમ કોર્ટ કોઈ વ્યક્તિને નિર્દોષ જાહેર કરે તો સતત 22 વર્ષ સુધી તમે મીડિયામાં કોઈને આરોપી આરોપી કહી ન શકો. આનાથી માનહાનીનો કેસ પણ બને છે. આ બાબતે આપ આપનું મંતવ્ય જણાવશો.
આ પણ વાંચો: Income Tax/બીબીસી ઓફિસ પર આવકવેરાના દરોડા અંગે વિદેશી મીડિયામાં આવી ચર્ચા!
