હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સ્ટાર ખેલાડીઓ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરથી નારાજ છે. BCCI દ્વારા 1 ઓક્ટોબર, 2023 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી જારી કરાયેલા કેન્દ્રીય કરારમાં કિશન અને ઐયરનો નામ નથી.તેમના વલણના લીધે બોર્ડ પહેલાથી જ નારાજ હતું ,આ બે ઉપરાંત અન્ય પાંચ ખેલાડીઓને પણ BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાને BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી વંચિત રાખવામાં આવ્યો હતો. આ વખતે તે કોઈપણ શ્રેણીમાં સામેલ નથી. પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે.
ભારત માટે 21 T20 મેચ રમી ચૂકેલા દીપક હુડ્ડા 2021 થી 2022 દરમિયાન ટીમ ઈન્ડિયામાં એક મોટું નામ હતું. તે સતત ભારતીય T20 ટીમનો ભાગ હતો. પરંતુ દીપકના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને પડતો મૂકવામાં આવ્યો હતો. આ વખતે તે કેન્દ્રીય કરારનો ભાગ પણ નથી.
ભારતીય ટીમના અનુભવી ઓપનર શિખર ધવનને પણ આ વખતે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. તેણે ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી છે.
સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેને 2023-24 માટે નવા કોન્ટ્રાક્ટમાં પણ સ્થાન મળ્યું નથી. ચહલ પણ લાંબા સમયથી ટીમની બહાર છે.
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂકેલા ઉમેશ યાદવ પણ BCCIના નવા કેન્દ્રીય કરારનો ભાગ નથી. લાંબા સમયથી યાદવ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હતો. અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે 57 ટેસ્ટ, 75 ODI અને 9 T20 મેચ રમી ચૂક્યો છે.
