Mehsana Becharaji Pedestrian Accident: ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે માઁ બહુચરના દર્શન કરવાની આશા સાથે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30મી માર્ચની મોડી રાત્રે એક બેફામ ટ્રક ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા બે માઈભક્તોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 7 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

Becharaji : ભક્તિમય માહોલ માતમમાં ફેરવાયો
સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો 60 લોકોનો પગપાળા સંઘ ગત રાત્રે માઁ બહુચરના દર્શન માટે નીકળ્યો હતો. રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે સંઘ નવા દેલવાડા પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે સંઘને જોરદાર ટક્કર મારી હતી.

મૃતકો અને ઇજાગ્રસ્તોની વિગત
આ અકસ્માતમાં ધનાવાડા ગામના બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે: 1. ઠાકોર દલપતજી પારખાનજી 2. ઠાકોર લાલાજી નાગજીજી, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા 7 પદયાત્રીઓને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં હેતલબેન ઠાકોર, જુહાજી ઠાકોર, વિક્રમ ઠાકોર અને મેહુલ ઠાકોર સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.

ટ્રક ચાલક ફરાર, આખું ગામ અંતિમયાત્રામાં ઉમટ્યું
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જોકે, ટ્રક અત્યારે ઘટનાસ્થળે જ પડી છે અને પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે જ્યારે બંને મૃતક યુવકોના પાર્થિવ દેહ તેમના વતન ધનાવાડા ગામે પહોંચ્યા ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. ગામના બે જુવાનજોધ દીકરાઓની અંતિમયાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચો:સુરતના સચિન ફોજીવાલા રોડ પર અકસ્માત, BRTS બસ ચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું મોત
આ પણ વાંચો: વાડજમાં ટેન્કરના અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મનોરંજન જગતમાં માતમ
