ભાવનગરનાં જેસરનાં કરજાળા ગામે વાડી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વૃદ્ધા જ્યારે વાડીમાં સૂતા હતા ત્યારે મોડી રાત્રે ત્યા આવી ચડેલા દીપડાએ છાતીનાં ભાગે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. દીપડાનાં અચાનક હુમલાથી વૃદ્ધાએ બૂમાબુમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો.

ગત રાત્રીનાં 2 થી 3 વાગ્યાનાં સમયગાળામાં જેસરનાં કરજાળા ગામે વાડી વિસ્તાર માં એક વૃદ્ધ મહિલા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જેમા વૃદ્ધ મહિલાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. વૃદ્ધ મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રળિયાતબેન ખીમજીભાઈ ચુડાસમા નામની 65 વર્ષીય મહિલા રાત્રીનાં સમયે વાડીમાં નિદ્રામાં હતા ત્યારે ત્યાં અચાનક આવી ચડેલા દીપડાએ તેમના પર હુમલો કરી હાથે પગે તેમ છાતીનાં ભાગે ઇજા કરી હતી. દીપડાનાં અચાનક હુમલા બાદ વૃદ્ધાએ બુમાબુમ કરી જે બાદ દીપડો નાસી છૂટ્યો હતો. જ્યારે મહિલાને સારવાર માટે જેસરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
