ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ભારત પરત ફર્યો છે. જો કે ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે કદાચ એશિયા કપ સુપર-4 સ્ટેજ માટે ટીમ સાથે જોડાઈ શકે છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી રમશે. એશિયા કપ 2023માં ભારતની આગામી મેચ નેપાળ સામે છે, જે સોમવારે રમાશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે પરંતુ અંગત કારણોસર તે સોમવારે નેપાળ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે રિપોર્ટ અનુસાર તે ભારતની સુપર-4 સ્ટેજની મેચોમાં પુનરાગમન કરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચ વરસાદને કારણે રદ જાહેર કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહને આ મેચમાં બોલિંગ કરવાની તક મળી ન હતી પરંતુ તેણે બેટિંગમાં પોતાની કુશળતા દેખાડી હતી. તેણે 14 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બુમરાહની મદદથી ભારત સ્કોર 266 સુધી પહોંચાડવામાં સફળ રહ્યું.
ઉલ્લેખનીય છે કે જસપ્રિત બુમરાહ ગયા મહિને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે પરત ફર્યો હતો. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પીઠના નીચેના ભાગમાં ઈજા (સ્ટ્રેસ ફ્રેક્ચર)ના કારણે તે લગભગ 11 મહિના સુધી ક્રિકેટથી દૂર હતો. આ સિરીઝમાં તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો.
