ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે અહીં એક બગીચાને ટીપુ સુલતાનના નામ પર રાખવાનો વિરોધ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે મૈસુરના 18મી સદીના શાસકે હિંદુઓ પર અત્યાચાર કર્યો હતો અને જાહેર સ્થળ માટે તેમનું નામ અસ્વીકાર્ય હતું. આ બગીચાનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે માલવાણી વિસ્તારના બગીચામાં નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે બગીચાનું નામ પહેલેથી જ ટીપુ સુલતાન પર રાખવામાં આવ્યું છે અને કોઈ નવું નામ આપવામાં આવ્યું નથી.
મુંબઈ શહેરના પ્રભારી મંત્રી અને કોંગ્રેસના નેતા શેખઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે ભારતીય જનતા યુવા મોરચા, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ નામ બદલવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ઘટના પહેલા કેટલાક દેખાવકારોની અટકાયત કરી હતી.
ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ટીપુ સુલતાન તેમના રાજ્યમાં હિંદુઓના અત્યાચાર માટે ઐતિહાસિક રીતે જાણીતા છે. આવા લોકોનું સન્માન ભાજપ ક્યારેય સ્વીકારશે નહીં. બગીચાને ટીપુ સુલતાનનું નામ આપવાનો નિર્ણય રદ કરવો જોઈએ.”
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે મુંબઈ ઉપનગરીય જિલ્લાના પ્રભારી મંત્રી છે અને માલવાણી આ વિસ્તારમાં આવેલું છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. “બગીચાને નામ આપવું એ BMCનો વિશેષાધિકાર છે. મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ, માલવાણી ઉદ્યાનનું નામ ટીપુ સુલતાન રાખવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.
નોંધનીય છે કે મુંબઈ નગરપાલિકા પર શિવસેનાનું નિયંત્રણ છે. મંત્રી અસલમ શેખે કાર્યક્રમમાં કહ્યું, “છેલ્લા 15 વર્ષથી, આ બગીચાનું નામ (ટીપુ સુલતાન ) છે, પરંતુ આજ સુધી કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી. હું બીજેપીના એક ધારાસભ્યને પણ ઓળખું છું જેઓ ટીપુ નામના વિસ્તારમાં રોડના સમારકામ માટે દબાણ કરી રહ્યા છે. તેઓ આ અંગે મૌન સેવે છે કારણ કે તેઓ વોટ ઇચ્છે છે. વધુમાં તેમણે કહ્યું, હાલના બગીચાના નવીનીકરણના ભાગરૂપે ટેનિસ અને બેડમિન્ટન મેદાન બનાવવામાં આવ્યા છે અને તે તમામ ધર્મ કે જાતિ માટે ખુલ્લા છે,”
આદિત્ય ઠાકરેની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, શેખે કહ્યું કે તેઓ ત્યાં નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, બગીચાનું નામ આપવા માટે આવ્યા ન હતા.
