૨૦૨૧માં પાંચ રાજ્યોની ચૂંટણીના નિરાશાજનક પરિણામો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ગુજરાતમાં તો કોરોના સામે મહા અભિયાન શરૂ થઈ ચૂક્યું છે પરંતુ ભાજપ અને સંઘે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ જેટલા રાજ્યોની ચૂંટણી આવે છે તેને અનુલક્ષીને એક પ્રકારનું મહામંથન શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે અને આ અંગે જ્યાં ૨૦૨૨માં ચૂંટણી યોજાવાની છે તેના હોદ્દેદારોને દિલ્હી બોલાવ્યા છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ તેમજ ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. પંજાબ સિવાય બાકીના તમામ રાજ્યોમાં ભાજપની સત્તા છે. પંજાબમાં તો ભાજપ ત્રીજા નંબરે છે અકાલીદળ સાથે તેનું જાેડાણ તૂટ્યા પછી ભાજપે આકો વ્યૂહ નવેસરથી વિચારવો પડે તેવી હાલત છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને બાદ કરતા ભાજપનો દેખાવ નિરાશાજનક છે. ખાસ કરીને સ્થાનિક ચૂંટણીમાં તો ભાજપને ભારે મોટા આંચકા લાગ્યા છે. પડોશી ઉતરાખંડમાં નેતાગીરીમાં પરિવર્તન થયું છે પણ ‘રાવત’ કૂળના નવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે વિવિધ બાબતો અંગે વારંવાર જે બફાટ કર્યો છે તેના કારણે વિવાદની પરંપરા સર્જાઈ રહી છે.

જ્યારે ત્રીજા રાજ્ય હિમાચલ પ્રદેશમાં આ વખતે કોંગ્રેસ-ભાજપ સામે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે. પૂર્વ મુખ્યમંત્રી ધુમલના જુથની જે ઉપેક્ષા થઈ તેના કારણે તે ધુંધવાયેલું છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્ને નેતાઓનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. જાે કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સાથેના તેમના કહેાતા મતભેદના સમાચારો અવારનવાર અખબારોના પાના પર ચમકતા રહે છે. જાે કે ગુજરાતમાં ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં ક્લીનસ્વીપ મળી અને તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતો પણ ભાજપના ભાગે ગઈ અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ ભાજપની હાલત વધારે મજબૂત છે. સામે પક્ષે અગાઉ જણાવી ગયા તે પ્રમાણે કોંગ્રેસની હાલત સારી નથી. પંજાબની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ સ્થાનિક ચૂંટણીમાં પ્રથમ વાર લડી અસરકારક દેખાવ કર્યા બાદ હવે તેની સ્થિતિ ગુજરાતમાં પહેલા કરતાં મજબૂત છે. જાે કે ભાજપ કરતાં કોંગ્રેસના વધુ મતો તોડવાની આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે તેના કારણે ભાજપ રાહતનો શ્વાસ ખેંચી શકે તેમ છે. જાે કે, હજી દોઢ વર્ષ બાકી છે ત્યારે ‘આપ’ ભાજપને પણ પડકાર આપતી પાર્ટી બની જાય તેવો ભય ખૂદ ભાજપના કેટલાક નેતાઓને પણ સતાવી રહ્યો છે.

જાે કે જે પાંચ મુખ્ય રાજ્યોની ચૂંણી છે તેમાં ગુજરાતને બાદ કરતાં બાકીના રાજ્યોમાં ભાજપની સ્થિતિ પડકાર સમાન છે. આ સંજાેગોમાં ભાજપે નવેસરથી રણનીતિ તૈયાર કરવી પડે તેવી હાલત છે. આમ તો ૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને એક પણ રાજ્ય ગુમાવવું પોસાય તેમ નથી. તેમાંય ઉત્તરપ્રદેશને તો કોઈ પણ ભોગે જાળવવું પડે તેમ છે.

આ સંજાેગોમાં ભાજપના રાષ્ટ્રીયપ્રમુખ જેપી નડ્ડાએ તમામ ચૂંટણીવાળા રાજ્યોના મુખ્ય પદાધિકારીઓની બેઠક બોલાવી છે તેમાં સરકાર અને સંગઠન બન્ને બાજુના આગેવાનોને હાજર રહેવા તેડું મોકલાયું છે. આ બેઠકમાં પંચે રાજ્યોમાં તાકાત વધારી સત્તા જાળવી રાખવાનો વ્યૂહ ઘડાય તેવી શક્યતા છે.
બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે પણ સંઘના પદાધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં આ પાંચેય રાજ્યોના સંઘના મોવડીઓને હાજર રહેવા માટે આમંત્રણો મોકલાયા છે. આ બેઠકમાં કોરોના રામમંદિર સહિતના બીજા ઘણા મુદ્દાઓ છે પણ તેની સાથે અગ્રતાક્રમમાં તો ૨૦૨૨માં યોજાનારી ધારાસભાઓની ચૂંટણી અને તેમાંય પાંચ રાજ્યો ભાજપ માટે ચાવીરૂપ ગણાય છે તે રાજ્યો છે. સંઘ વખતોવકત વિવિધ રાજ્યોમાં સર્વે કરાવી ભાજપની તાકાત અંગે માપ કઢાવતો રહે છે અને ભાજપને વધુમાં વધુ ફાયદો મળે તે જ તેનો લક્ષ્યાંક હોય છે.

તાજેતરમાં કોરોનાના કહેર વચ્ચે જે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ તેના પરિણામોથી ભાજપ કરતાં સંઘ વધારે ચિંતિત છે. આસામમાં સત્તા ભાજપે જાળવી પરંતુ મતોની ટકાવારી ઘટી છે તો બીજી બાજુ ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાંથી આવેલા હેમંત બિશ્વા શીરમાને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે અને તેમની કેબિનેટમાં પણ ત્રણ પૂર્વ કોંગ્રેસીઓને મહત્ત્વના ખાતાઓની ફાળવણી કરવી પડી છે. આનાથી મોવડીમંડળ ખૂશ નથી. પશ્ચિમ બંગાળમાં આખી ફોજ ઉતારી કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી ભાજપની તાકાત ભલે ૨૫ ગણી વધી પણ સત્તા મળી નથી. જ્યારે વિપક્ષના નેતા પદે ટીએમસીના પૂર્વ નેતા શુવેન્દુ અધિકારીને બેસાડવાનું અને મુખ્ય સચિવ બાંદોપાધ્યાય સામે કાર્યવાહી કરવાની કામગીરીથી ભાજપને પશ્ચિમ બંગાળમાં મજબુત કરવા દિવસ રાત એક કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ સહિતના નેતાઓ નારાજ છે.

જ્યારે કેરળમાં તો ડાબેરી મોરચાએ તાકાત જાળવી છે અને કોંગેસ પ્રેરિત યુડીએફ મુખ્ય વિપક્ષ બન્યો છે. ૨૦૧૬માં તો ભાજપને એક બંઠક મળી હતી જ્યારે આ વખતે તોાજપનું ખાતુ પણ ખૂલ્યું નથી. હિંદુ ખ્રિસ્તી ભાઈ ભાઈનો નારો ઉંધો પડ્યો છે. તમિલનાડુમાં ભાજપનો સાથી પક્ષ અન્ના ડીએમકે મુખ્ય વિરોધ પક્ષ બન્યો છે પણ સત્તા મેળવી શક્યો નથી. કોંગ્રેસના ભાગીદાર ડીએમકેને સત્તા મળી છે અને કોંગ્રેસે ૨૫ બેઠકો લડી ૧૮ બેઠકો પર જીત મેળવ્યા પછી તેને એક પણ પ્રધાનપદ મળ્યું નથી. આ બાબત કોંગ્રેસની મજબૂરી છે પણ તમિલનાડુમાં પણ ભાજપ કશું ઉકાળી શક્યો નથી. હવે પોંડીચેરીમાં કોંગ્રેસમાંથી અલગ પડેલા રંગરાજનને ટેકો આપી ભાજપે સરકાર તો રચાવી દીધી છે પરંતુ રંગરાજન ભાજપને વફાદાર ક્યાં સુધી રહે તે નક્કી નથી તેઓ ગમે ત્યારે બગાવત કરી શકે છે.
આ બધા સંજાેગો વચ્ચે મીશન ૨૦૨૨ માટે ભાજપ અને સંઘ દ્વારા શરૂ થનારૂં મહામંથન કેવા પરિણામો લાવે છે તે તો સમય જ કહેશે. પરંતુ એક વાત નક્કી છે કે ભાજપ માટે પરિસ્થિતિ સાવ સંતોષકારક તો નથી જ. તેની સામે પડકારો તો છે જ. ૨૦૧૭માં જે સ્થિતિ હતી તેવી આજે નથી. હા, ગુજરાતમાં ભાજપની હાલત ૨૦૧૭ કરતાં મજબુત છે પરંતુ તે મોટેભાગે તો પક્ષાંતર કરીને આવેલ પૂર્વ કોંગ્રેસી નેતાઓના કારણે જ છે.
