ગુજરાતમાં વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગયા બાદ હવે રાજકિય પક્ષો તાડમાર તૈયારીઓમાં કામે લાગી ગયા છે અને ખાસ કરીને ઉમેદવારની યાદી જાહેર કરવા માટે કવાયત હાથ ધરી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને સીઆર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. જેઓ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે અને આગામી 3 દિવસ સુધી ઉમેદવારોના નામ પર મંથન કરશે અને ત્યારપછી કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા યાદી બનાવવામાં આવશે. દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે.જે જીતી શકે છે તેવા ઉમેદવારોને જ ટિકિટ ફાળવવામાં આવશે.
આગામી દિવસોમાં ભાજપ પક્ષના ઉમેદવાર કોણ હશે તે બહાર આવશે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલથી દિલ્હીમાં બે દિવસ સુધી ચાલુ રહેશે.આ બેઠક બાદ ભાજપ પક્ષ 9 નવેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડે 5 નામોની યાદી દિલ્હીને મોકલી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે જેમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે.
