દુબઈ
દુબઈમા યોજાયેલી બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાનને હરાવીને ચેમ્પીયન બની હતી. જેમાં ઓલરાઉન્ડર ખેલાડી નરેશ ટુન્ડા નવસારી જિલ્લાના વાંસદાનો રહેવાસી છે, 26 જાન્યુઆરી શુક્રવાર 69માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહત્વની વાત એ છે કે આ ખેલાડીને પોતાનુ અને પરિવારનુ ગુજરાન ચલાવવા માટે ખેતી ઉપર નિર્ભર રહેવુ પડે છે. ત્યારે સરકાર તેને નોકરી આપે તેવી આ ખેલાડીએ માંગણી કરી છે.
વાંસદા તાલુકાના ખાટા આંબા ગામના ગરીબ આદિવાસી નરેશ ટુન્ડાએ બ્લાઇન્ડ ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે ભુમિકા ભજવી હતી. ગુરૂવારની રાત્રે નરેશ ટુન્ડા સાથી ખેલાડીઓ સાથે સુરત આવ્યો ત્યારે તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
26 જાન્યુઆરી શુક્રવારના 69માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ચીખલી ખાતે કરવામાં આવી જેમાં નરેશ ટુન્ડાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.. નરેશ ટુન્ડા પાંચ વર્ષનો હતો ત્યારે તેની આંખમાં કોઈ વનસ્પતિનો ઝેરી રસ જવાથી તેને દ્રષ્ટિ ગુમાવવી પડી હતી. ત્યાર પછી સુરતની અંધજન શાળામાં રહીને દસમાં ધોરણમાં તેને અભ્યાસ કર્યો .શાળાની ક્રિકેટ ટીમ પછી જિલ્લા, રાજય અને હવે રાષ્ટ્રીય ટીમનો ખેલાડી બન્યો છે.
