ઉત્તરાખંડમાં ભાજપે પોતાના ચૂંટણી પ્રચારનું બ્યુગલ વગાડ્યું છે. ઉત્તરાખંડની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેહરાદૂનમાં જાહેર સભામાં કરીને રાજ્યમાં પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે આ વખતે પણ રાજ્યમાં ભાજપની પૂર્ણ બહુમતી સાથે સરકાર બનશે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને સુંદર બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. અમિત શાહે દેહરાદૂનમાં ‘ઘસિયારી કલ્યાણ યોજના’ પણ શરૂ કરી.
અમિત શાહે કહ્યું કે, દેવભૂમિ બનાવવાનું કામ આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ કર્યું હતું. રાજ્યની માંગ કરતી વખતે ન જાણે કેટલા યુવાનો શહીદ થયા. ઉત્તરાખંડના યુવાનો સાથે ભાજપ પણ આ માંગ ઉઠાવી રહ્યું હતું. તો ઉત્તરાખંડના યુવાનો પર કોણે ગોળી ચલાવી તે તમને પણ યાદ હશે. ઉત્તરાખંડમાં લગભગ 1,000 એકર જમીનમાં 2,000 ખેડૂતો મકાઈની ખેતી કરશે અને વૈજ્ઞાનિક રીતે પૌષ્ટિક પશુ આહાર બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, “કોંગ્રેસના શાસનમાં સહકારી ચળવળ નબળી પડી હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક અલગ સહકારી મંત્રાલય બનાવ્યું છે અને દેશના કરોડો ખેડૂતો, મહિલાઓ, મજૂરો, મહિલાઓ સહકારી સાથે સંકળાયેલા છે. તે બધાના કલ્યાણ માટે મોટું કામ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું, “મુખ્યમંત્રી ઘસિયારી કલ્યાણ યોજના હેઠળ, ખેડૂતોને 30% સબસિડી પર 2 રૂપિયા પ્રતિ કિલોના દરે પશુ આહાર આપવામાં આવશે. આ પ્રકારની વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુઓના આરોગ્યમાં સુધારો થવાની સાથે સાથે પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં પણ વધારો થશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર, અને કૌભાંડોનો પર્યાય બનીને રહી છે. કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં કલ્યાણકારી કામ કરી શકતી નથી, ન તો ગરીબોનો વિચાર કરી શકે છે અને ન તો સારા વહીવટનો વિચાર કરી શકે છે. માત્ર અને માત્ર ભાજપ સરકાર જ મોદીજીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ અને સારો વહીવટ આપી શકે છે. કોંગ્રેસ પક્ષ આજ્ઞાભંગનો પક્ષ છે. કોંગ્રેસ પાર્ટી રાજકીય રીતે સત્તા કબજે કરવા અને તેનો આનંદ માણવાનો પક્ષ છે. કોંગ્રેસ પક્ષ ક્યારેય જન કલ્યાણનું કામ કરી શકે નહીં.
