Rajkot News: રાજ્યમાં વ્યાજખોરોના આતંકનો હજી અંત આવ્યો હોવાનું લાગતું નથી. રાજકોટના જસદણ તાલુકામાં આવેલા વીરનગર-કનેસરા માર્ગની જોડે એક યુવાનનો મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ મૃતદેહ જસદણના કાળાસર ગામના લાલજી ધીરુભાઈ મકવાણાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. લાલજી મકવાણાના કુટુંબીઓનું કહેવું છે કે તેનું મૃત્યુ થયું નથી, પરંતુ વ્યાજખોરોએ તેની હત્યા કરી છે. આમ મૃતકના કુટુંબીજનોના હત્યાના આરોપના પગલે પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે અને પોલીસ તપાસે હવે વ્યાજખોરોની દિશા પકડી છે.
મૃતક લાલજીના કુટુંબીજનોના જણાવ્યા મુજબ મૃતક લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. તેઓ તેને સતત તેનો જીવ લેવાની ધમકી આપતા હતા. વ્યાજની પઠાણી ઉઘરાણી અને ત્રાસને કારણે આ વ્યાજખોરોએ જ તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર આરોપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને જ્યાં સુધી આરોપીઓ ઝડપાઈ ન જાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ ઘટનાના પગલે લાલજીના પરિવાર સાથે મોટી સંખ્યામાં ગામલોકો અને અન્ય લોકો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. જ્યાં મૃતદેહને રાખવામાં આવ્યો છે.
પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ આરોપીઓને તાત્કાલિક નહીં પકડે તો તેઓ આંદોલન કરશે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના આરોપોને ગંભીરતાથી લીધા છે. વ્યાજખોરીના આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર વ્યાજખોરીના દૂષણ અને તેના કારણે થતી કરુણ ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો છે.
આ ઘટના બતાવે છે કે રાજ્યમાં તંત્રના દરેક પ્રયત્નો છતાં પણ વ્યાજખોરીનું દૂષણ અટકવાનું નામ જ લેતું નથી. તેની સાથે આ બાબત તે પણ પુરવાર કરે છે કે દેશમાં હજી પણ કેટલા નીચલા સ્તરે બેન્કિંગની સગવડોની જરૂર છે. આના પ્રકારની માઇક્રો ક્રેડિટ ફેસિલિટીના અભાવના લીધે લોકો વ્યાજખોરીના દૂષણમાં સપડાય છે અને છેવટે તેમને મોતને ભેટવાના દહાડા આવે છે. જો નીચલા સ્તર સુધી બેન્કિંગની સગવડ થાય તો આ પ્રકારના દિવસો જ ન આવે.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..
