દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ ધમકીની માહિતી મળતાં હોબાળો મચી ગયો હતો. પોલીસ જણાવ્યા અનુસાર, લગભગ 40 મિનિટ પહેલા એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ રાખવામાં આવ્યા હતા અને હાઈકોર્ટને બપોરે 2 વાગ્યા સુધીમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે અને આ મેઇલ કોણે મોકલ્યો છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે તે ‘બોમ્બ ધમકી’ હોઈ શકે છે, પરંતુ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
પોલીસે તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલનો અમલ કર્યો અને તમામ ન્યાયાધીશોને તેમના ચેમ્બરમાંથી બહાર કાઢ્યા અને વકીલો, સ્ટાફ અને લોકોને કોર્ટ પરિસર ખાલી કરવા સૂચના આપી.
બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસના અનેક એકમો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિસરની વારાફરતી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારોને પણ સીલ કરી દીધા છે અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.
દિલ્હી હાઈકોર્ટના બાર એસોસિએશનના સેક્રેટરીના જણાવ્યા અનુસાર ‘સુરક્ષા વ્યવસ્થા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ઈમેલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી.
મેઇલમાં દાવો કરવામાં આવ્યો
મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટ પરિસરમાં 3 બોમ્બ મૂકવામાં આવ્યા છે અને તે બધાને બપોરે 2 વાગ્યા સુધીમાં દૂર કરી દેવા જોઈએ.
મેઇલમાં એક અસામાજિક, આક્રમક રાજકીય સંદેશ પણ હતો જેમાં ચોક્કસ રાજકારણીઓને નિશાન બનાવતી કઠોર ટિપ્પણીઓ શામેલ હતી, કેટલાક ચોક્કસ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મેલમાં તમિલનાડુના રાજકીય પક્ષ ડીએમકેનો પણ ઉલ્લેખ છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે ડૉ. એઝિલન નાગનાથન ડીએમકેની કમાન સંભાળે.” આ સાથે, મેલમાં એવી ધમકી પણ આપવામાં આવી છે કે ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઇન્બાનિધિ ઉદયનિધિને એસિડથી બાળી નાખવામાં આવશે.
આગળ કહેવામાં આવ્યું હતું કે, એજન્સીઓને એ વાતનો ખ્યાલ પણ નહીં આવે કે આ એક આંતરિક ષંડયત્ર છે. ઉદાહરણ તરીકે, તમારી દિલ્હી હાઇકોર્ટમાં આજે થયેલા વિસ્ફોટથી અગાઉના ખોટા આરોપોની શંકા દૂર થશે. આ વિસ્ફોટ બપોરની ઇસ્લામિક નમાઝ પછી તરત જ જજના ચેમ્બરમાં થશે. આ મેઇલને ગંભીર ગણીને પોલીસે તેની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. મેઇલ કયા IP સરનામાં, સર્વરથી મોકલવામાં આવ્યો હતો, મેઇલ હેડર સાથે ચેડા કરવામાં આવ્યા છે કે કેમ, અને મેઇલ મોકલનારને કેવી રીતે ઓળખવો જેવા પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. આ સાથે, મેઇલમાં ઉલ્લેખિત નામો પર પણ સુરક્ષા વધારવામાં આવી રહી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: દેશભરમાંથી પકડાયેલા આતંકવાદીઓનો પાકિસ્તાન સાથે કનેકશન?
આ પણ વાંચો:દિલ્હી પોલીસે IED સામગ્રી સાથે 5 લોકોની ધરપકડ કરી, આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું!
આ પણ વાંચો: મુંબઈમાં આતંક, 400 કિલો RDX થી શહેરને ઉડાવી દેવાની મુંબઈ પોલીસને મળી ધમકી
