નવી દિલ્હી,
ભારતે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થામાં પણ નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભારત વિકાસની આ હરણફાળ સાથે પાડોશી દેશ ચીનને પછાળી દુનિયામાં સૌથી ઝડપતું અર્થતંત્ર બની ગયું છે. ગુરુવારે સરકાર દ્વારા GDP અંગેના ડેટા જાહેર કર્યા હતા.
ચાલુ વર્ષના જાન્યુઆરી-માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળા દરમિયાન દેશની GDP ૭.૭ ટકાના દર સાથે આગળ વધી છે. જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં અર્થવ્યવસ્થાનો દર ૬.૭ ટકા રહેવાનું અનુમાન છે. GDPના આંકડાઓ જણાવે છે કે, આ સારી કોર્પોરેટ ઇન્કમ અને ઔદ્યોગિક ઈનપુટના ડેટામાં થયેલા સુધારાનો અંદાજ છે.
આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં સરકાર દ્વારા ૬.૬ ટકાના દરથી GDP વધવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જયારે જાન્યુઆરી-માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળા દરમિયાન ચીનના અર્થતંત્રના વિકાસનો દર ૬.૮ ટકા રહી હતી, જે ભારત કરતા ઘણી ઓછી છે.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા લગાવવામાં આવેલા અનુમાન મુજબ, ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૬.૫ ટકા રહ્યું છે. જયારે ગત વર્ષે GVAનો દર ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત CSO દ્વારા માર્ચ મહિનામાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જીવીએ ૭.૬ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
સરકારના આંકડાઓ મુજબ, જાન્યુઆરી-માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં દેશનો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દર ૯.૧ ટકાથી વધ્યો છે, જે ગત વર્ષે ૮.૧ ટકાથી આગળ વધ્યું હતું.
આ પહેલા આર્થિક મામલાઓના જાણકારો દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, આ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ગ્રાહકોના ખર્ચમાં ફાયદો થયો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના આર્થિક મામલાઓના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે પણ દાવો કર્યો હતો કે, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૭.૩ થી ૭.૫ ટકા રહેવાનું અનુમાન છે.
