Surat News: સુરતમાં નકલી IPSને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ આઇપીએસે અમદાવાદના કૃષ્ણનગર ખાતે વર્ધી સીવડાવી હતી. પોલીસની પૂછપરછમાં પ્રદીપ પટેલે આ વાત કબૂલી હતી. હજી પણ આ બાબતને લઈને વધુ ખુલાસાઓ થઈ શકે છે.
પ્રદીપ પટેલ સામે અત્યાર સુધીમાં બે ગુનાઓ નોંધાયા છે. પ્રદીપ પટેલ IPSની ઓળખ આપી છેતરપિંડી કરતો હતો. મળેલ ફરિયાદના આધારે ભાંડો ફૂટ્યો હતો. રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સુરત જિલ્લામાંથી વધુ એક નકલી ઉચ્ચ સરકારી અધિકારીની ઓળખ આપી લોકો પાસે રૂપિયા પડાવતા ઇસમને પોલીસે ઝડપી લીધો છે.
કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજ તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારએ ફરિયાદ આપી હતી. સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે દરમિયાન પ્રદીપ પટેલએ IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપએ સમીર જમાદારને કામરેજના વલથાન ગામ પાસે આવેલી તોરણ હોટેલમાં 30% ભાગીદાર રહેવા કહ્યું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી, જેને લઇને સમીરએ ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા.
જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારએ પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો. જેને લઇને સમીરે એ પૈસા પરત માંગ્યા હતા. જેથી પ્રદીપ એ 12 લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ 11 લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું. જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપ એ રૂપિયા નહીં આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતાં સમીર જમાદારએ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.
કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી IPS ની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. તેઓનો મોબાઈલ ચેક કરતા તેમાંથી IPS અધિકારીની વર્ધી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા અને એક પોલીસ વર્ધીનું પેન્ટ પણ મળ્યું હતું.
આ પણ વાંચો: ધરમપુરના દહાડમાં દુકાનદારની ચાલાકીથી ઝડપાઈ નકલી પોલીસ
આ પણ વાંચો: ધરમપુરના દહાડમાં દુકાનદારની ચાલાકીથી ઝડપાઈ નકલી પોલીસ
આ પણ વાંચો: નકલી પોલીસ બની જમીન દલાલને આપી ધમકી ,જાણો પછી શું થયું ?