નવુ સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હમણાં જ ખરીદી લેજો કારણ કે ઓક્ટોબરથી નવા વાહનોનું રજિસ્ટ્રેશન મોંઘુ થવા જઇ રહ્યું છે. દેશમાં મોટર વ્હીકલ્સ માટે રજિસ્ટ્રેશન ચાર્જ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેના રિન્યુઅલનો ચાર્જ વધવાનો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે (MoRTH) નવા વ્હીકલ્સના રજિસ્ટ્રેશન માટે ચાર્જ અને જુના વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નો રિન્યુઅલ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, મિનિસ્ટ્રીએ 15 વર્ષ જુના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટનો ચાર્જ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. આની ડ્રાફ્ટ નોટિફિકેશન ઇશ્યૂ કરીને સૂચનો માંગવામાં આવ્યા છે. નવા ચાર્જિસ ઓક્ટોબર 2021થી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.
નવા પ્રસ્તાવ હેઠળ નવી મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન ચાર્જ વધારીને 300 રુપિયા અને જુની મોટરસાઇકલની આરસીનો રિન્યુઅલ ચાર્જ વધારીને 1000 રુપિયા કરવાનો પ્રસ્તાવ છે. આજ રીતે થ્રી-વ્હીલર/ક્વાડ્રીસાઇકલના કેસમાં નવા રજિસ્ટ્રેશનનો ચાર્જ વધારીને 600 રુપિયા અને આરસી રિન્યુઅલનો ચાર્જ વધારીને 2500 રુપિયા વધારીને કરવાનો પ્રસ્તાવ છે. હળવા મોટર વ્હીકલ્સના કેસમાં નવા રજિસ્ટ્રેશનનો ચાર્જ વધારીને 600 રુપિયા અને જુની આરસીનો રિન્યુઅલ ચાર્જ વધારીને 5000 રુપિયા કરવાનો પ્રસ્તાવ છે.
