india news/ વૈશાલીમાં બોટ દુર્ઘટનાથી 14 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

બિહાર (Bihar)ના વૈશાલીમાં બોટ પલટી જતાં 14 લોકોનાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારને PMNRFમાંથી 2 લાખ અને બિહાર સરકાર તરફથી ₹4 લાખની સહાય જાહેર કરાઈ છે.

Top Stories India
Bihar માં બોટ પલટી, 14નાં મોત

India News :બિહાર (Bihar)ના વૈશાલી (Vaishali)જિલ્લામાં મંગળવારે મોડી સાંજે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઈ હતી. 20થી વધુ લોકો સવાર હતા તેવી બોટ અચાનક પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોનાં ડૂબી જવાથી મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ વૈશાલીમાં બનેલી આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું કે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

મૃતકોના પરિવારને 2 લાખની સહાય

કેન્દ્ર સરકાર (Central Government)તરફથી પણ અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ આપવામાં આવશે. જ્યારે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ચાર લોકોને બચાવી લેવાયા

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ડાઇવર્સની મદદથી ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાનું તિરહુત રેન્જના ડીઆઈજી ચંદન કુમાર કુશવાહાએ જણાવ્યું હતું. હાલ રાહત અને બચાવ કામગીરી અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા અધિકારીઓએ સંભાળી કામગીરી

ડીઆઈજી ચંદન કુમાર કુશવાહાના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતાં જ તેઓ મુઝફ્ફરપુર સ્થિત વિભાગીય મુખ્યાલયથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વૈશાલીનાં જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહ અને પોલીસ અધિક્ષક શુભંકર મિશ્રાની દેખરેખ હેઠળ બચાવ કામગીરી આગળ વધારવામાં આવી હતી.

Bihar સરકારે પણ 4 લાખની સહાય જાહેર કરી

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ બોટ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમ, જાહેર કરાયેલી જાહેરાતો મુજબ મૃતકના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળીને કુલ 6 લાખની સહાય મળી શકે છે.

ભોજન સમારંભમાં જવા નીકળ્યા હતા મુસાફરો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, બોટમાં સવાર લોકો નજીકના ગામમાં યોજાયેલા ભોજન સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જોકે, બોટ કયા કારણોસર પલટી ગઈ તે અંગેની સંપૂર્ણ વિગતો સત્તાવાર તપાસ બાદ સ્પષ્ટ થશે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.


આ પણ વાંચો:બિહારમાં દીકરીઓની સુરક્ષા મુદ્દે ઘમાસાણ, ચિરાગ-રોહિણી સામસામે

આ પણ વાંચો:ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા

આ પણ વાંચો:બિહાર વિધાન પરિષદની 8 સીટો પર ચૂંટણીની જાહેરાત:જાણો શિડ્યુલ અને સમીકરણો