રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં 2 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં ઘટાડો થશે. તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વાતાવરણ પલટાશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાંની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. તો ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
અમદાવાદમાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દાહોદ વડોદરામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 20 તારીખના રોજ દાહોદમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે ત્યારે તેમના કાર્યક્રમની વચ્ચે આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો ભલે સારા સમાચાર છે પરંતુ ખેડૂતોની વાવણી થયા બાદ આ તેમના માટે નુકશાનની ભીતી કહી શકાય છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવશે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધતાં સપ્તાહના અંત સુધી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: આજે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું વડાપ્રધાનનાં હસ્તે ઉદ્ઘાટન


