Ahmedabad News/ ચાંદખેડામાં ગુંડારાજ! યુવકનું ટી-શર્ટ કાઢી ઢોર માર માર્યો, CCTV વાયરલ

અમદાવાદના ચાંદખેડામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. 9 શખ્સોએ યુવક પર હુમલો કરી એક્ટિવા સળગાવ્યું છે. CCTV વીડિયો વાયરલ.

Uncategorized
CCTV

Chandkheda CCTV Viral Video: અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર જાણે ગુંડાઓનું ઘર બની ગયો હોય તેમ અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો છે. માત્ર 24 કલાકના અંતરે બનેલી બે હિંસક ઘટનાઓએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ક્યાંક યુવકને રસ્તા પર ઢસડીને તેનું ટી-શર્ટ કાઢી માર મારવામાં આવ્યો, તો ક્યાંક જાતિ વિષયક શબ્દો બોલી એક્ટિવાને સરેઆમ સળગાવી દેવામાં આવ્યું.

સોસાયટીના બેઝમેન્ટમાં કેમ આવે છે? કહી યુવકને નિર્વસ્ત્ર કર્યો

ગત 4 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ, મયંક જોશી નામના યુવક સાથે હિંસક બનાવ બન્યો હતો. મયંક જ્યારે આઈસ્ક્રીમ પાર્લર પાસે હતો, ત્યારે આકાશ ઠક્કર નામના શખ્સે ‘સોસાયટીના બેઝમેન્ટમાં કેમ આવે છે?’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. વાત એટલી વણસી હતી કે આકાશ અને તેના મિત્રોએ મયંકને દુકાનની બહાર ઢસડી, તેનું ટી-શર્ટ કાઢી નાખ્યું અને નિર્વસ્ત્ર હાલતમાં ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

છરા-લાકડીઓ ઉલાળી આતંક મચાવ્યો, એક્ટિવા ફૂંકી માર્યું

બીજી ઘટના 5 જાન્યુઆરીએ બની હતી, જેમાં કીર્તન નામનો યુવક અને તેમનો મિત્ર વેદાંત એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે મંથન ઠાકોર અને સિદ્ધરાજ ઠાકોર સહિતના શખ્સોએ તેમને અટકાવ્યા હતા. અમુક મિત્રો સાથે કેમ ફરે છે તે બાબતે ઉશ્કેરાયેલા ગુંડાઓએ જાતિ વિષયક ટિપ્પણી કરી હુમલો કર્યો હતો.

હુમલાખોરો હાથમાં છરા અને લોખંડની પાઈપો લઈને આવતા જોઈ જીવ બચાવવા યુવકો એક્ટિવા મૂકીને ભાગ્યા હતા. ગુંડાઓએ ત્યારબાદ એક્ટિવામાં તોડફોડ કરી અને તેને જાહેર રોડ પર સળગાવી દીધું હતું.

પોલીસ એક્શનમાં: 9 લોકો સામે ગુનો નોંધાયો

ચાંદખેડા પોલીસે આ બંને ઘટનાઓની ગંભીરતા નોંધીને તપાસ તેજ કરી છે. એક્ટિવા સળગાવવા મામલે મંથન ઠાકોર, સિદ્ધરાજ ઠાકોર, કિશોર ઠાકોર અને અમિત ઠાકોર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના વાયરલ વીડિયોમાં ગુંડાઓ પોલીસનો જરા પણ ડર ન હોય તેમ ખુલ્લી છરીઓ લઈને ફરતા દેખાઈ રહ્યા છે. અને યુવકને માર મારવાના મામલે ફરિયાદીએ આકાશ ઠક્કર, હિરેન સહિતના લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડીને તેની જગ્યાએ 102 એકરનું સ્પોર્ટ્સ સિટી બનાવાશે

આ પણ વાંચો: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોટો સપાટો, ત્રણ કોચની તાત્કાલિક બદલી કરાઈ