બંગાળના રાજ્યપાલ ધનખડની વારંવારની રાજકીય ભાષા લોકશાહીના ચીરહરણ જેવી છે તેમ તો કહેવું જ પડશે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આપણા દેશમાં ભલે રાષ્ટ્રપતિને આ હોદ્દો બંધારણીય વડાનો એટલે કે રાષ્ટ્રના પ્રથમ નાગરિકનો છે તેવી રીતે રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કેન્દ્રના ગૃહખાતાની ભલામણથી રાષ્ટ્રપતિ જ કરે છે. જ્યારે પણ કેન્દ્રમાં સત્તાપલટો થાય ત્યારે રાજ્યપાલો બદલાતા હોય છે. કેન્દ્રનો સત્તાધારી પક્ષ જે તે રાજ્યની રાજ્ય સરકારોને અનુરૂપ રહે તેવા નહિ પણ કેન્દ્ર કહે તેમ કરવાવાળા કહ્યાગરા રાજ્યપાલ નીમતા હોય છે. રાજ્યપાલ પદે મોટેભાગે સત્તાધારી પક્ષના મોટી ઉંમરના કે જે તે પક્ષના સંગઠન સાથે સંકળાયેલા અને ઘણા કિસ્સામાં ચૂંટણી હારેલા રાજકીય નેતાઓને નિમવામાં આવતા હોય છે. આ એક જાણવા જેવી ઘટનાક્રમ છે. ભૂતકાળમાં કોંગ્રેસના કહ્યાગરા રાજ્યપાલો હતા અને તેને જે રાજ્યોમાં બીનકોંગ્રેસી સરકારો હોય તેમની સાથે સંઘર્ષના બનાવો બનતા હોય છે. રાજ્યપાલ તો કેન્દ્રની ભલામણ નિમાય છે તે સાચું પરંતુ તેમણે વહીવટ તો જે તે રાજ્યના પ્રધાનમંડળ અને વિધાનસભાના ઠરાવો અનુસાર કરવાનો હોય છે.

ગુજરાતમાં તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વચ્ચે ઘણીવાર વિવાદ થયો હતો. તેમાંય લોકાયુક્તની જે નિમણૂક થઈ તેમાં તો આ જંગ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કમલા બેનીવાલને વિવાદમાં સંડોવીને તેમને ગુજરાત વિરોધી રાજ્યપાલ તરીકે ચીતરવાનો પ્રયાસ કરાયો હતો. ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના આગમન બાદ જે રીતે અને જે પ્રકારના રાજ્યપાલો નીમવામાં આવ્યા છે તેમની ભૂમિકા રાજ્યના બંધારણીય વડા કરતાં કેન્દ્રના સત્તાધારી પક્ષના સભ્ય હોય તેવી વધારે રહી છે.
પહેલા એટલે કે ૨૦૧૪ પહેલા રાજ્યપાલ તરીકે આવારી હસ્તીને જે તે રાજ્યોના લોકો જિંદગીભર યાદ કરતાં હતાં. ગુજરાતના રાજ્યપાલ શ્રીમાનારાયણ અને મહેંદી નવાઝ જંગ સહિતના રાજ્યપાલોને આજે પણ યાદ કરે છે. ગવર્નર પદની વાત કરતાં હોઈએ ત્યારે ભાવનગરના પ્રાતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અવશ્ય યાદ કરવા પડે તેમણે મદ્રાસ એટલે કે હાલના તમિલનાડુના ગવર્નર તરીકે જે ઉમદા કામગીરી કરેલી તેને લોકો આજે પણ યાદ કરે છે. ભાવનગરને પ્રજા પરિષદના માધ્યમથી લોકશાહીનો સ્વાદ ચખાડનારા આ પ્રજાવત્સલ રાજવીએ પ્રજા માટે કરેલી કામગીરી તો યાદગાર છે.

જ પરંતુ દેશના ૫૦૦થી વધુ રજવાડાઓના વિલિનીકરણની વાત શરૂ થઈ કે તરત જ કૃષ્ણકુમારસિંહજીએ ૧૮૦૦ ગામોવાળા ગોહિલવાડને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને સુપ્રત કર્યું હતું જે સરદાર સાહેબે ભાવનગર આવીને સ્વીકાર્યું હતું. આમ કૃષ્ણકુમારસિંહજીએ દેશના લોખંડી પુરૂષની પ્રેરણા મુજબ પોતાનું રાજ્ય સંપત્તિ સાથે સોંપનાર પ્રથમ રાજવી બન્યા હતાં. આઝાદી બાદ મદ્રાસના ગવર્નર તરીકે એક રૂપિયાના ટોકન પગાર સાથે રાજ્યપાલ તરીકે સફળ ફરજ બજાવી હતી. એટલું જ નહીં પણ પ્રજાનો પ્રેમ પણ જીત્યો હતો. તેથી જ તો ૧૯૬૫માં કૃષ્ણકુમારસિંહજીનો દેહવિલય થયો ત્યારે મદ્રાસે ત્રણ દિવસનો શોક પાળ્યો હતો. આમ કૃષ્ણકુમારસિંહજી આદર્શ રાજા અને ભારતની એકતાના શીલ્પી તો હતા જ પણ સાથોસાથ તમિલનાડુમાં પ્રજાકીય ગવર્નર પણ બન્યા હતા.
આ એક વાસ્તવિકતા છે. હવે આવા રાજ્યપાલ તો મળે જ નહિ અને જેમ સરદાર સાહેબના પેંગડામાં હાલના કોઈ રાજકારણીના પગ ન ઘૂસે તેવી રીતે દુઃખ સાથે નોંધવું અને કહેવું પડે છે. કોઈ રાજ્યના હાલના રાજ્યપાલ ભલે પછી તે ગમે તેવા મોટા નેતા હોય પણ રાજ્યપાલ તરીકેની ફરજ અને જવાબદારીની વાત આવે ત્યારે તેઓ ભાવનગરના સદ્ગત્ મહારાજા સાહેબની બાજુમાં ઉભા રહેવાની પણ ક્ષમતા ધરાવતા નથી.
અત્યારે રાજ્યપાલો વચ્ચે બંધારણે સોંપેલી જવાબદારી કરતાં જે પક્ષે તેમને રાજ્યપાલ તરીકે નીમ્યા હોય તેના પ્રત્યે વધુ વફાદારી નિભાવે છે. અત્યારે દેશમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડે તો જાણે કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષના પ્રવક્તા કે એજન્ટ હોય તે રીતે વર્તે છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રની ફોજ સામે ઝઝૂમીને તેમજ મક્કમ લડત આપીને પ્રજાના આશીર્વાદ સાથે મુખ્યમંત્રી બનનાર દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીને શપશવિધિ સમારોહમાં હિંસા અંગે જાહેરમાં ઠપકો આપવો, ભાજપના શુવેન્દુ અધિકારી જેવા નેતાના કહેવા પ્રમાણે રિપોર્ટ મોકલવો, છેલ્લે તો ટ્વીટર પર મમતા બેનરજીની ટીકા કરી આ વિગતો મિડિયા સમક્ષ જાહેર કરી દેવાની વાત જાે સાચી હોય તો આ ધનખડે રાજ્યપાલ પદની ગરિમાને તળિયે લાવી દીધી છે. તેમના નિવેદનની ભાષા બંધારણીય કરતાં રાજકીય અને કેન્દ્રના સત્તાધારી પક્ષની ભાષા છે. મુખ્યમંત્રીને ટ્વીટર પર મોકલેલો સંદેશો જાહેર કરીને તેમણે ગુપ્તતાના નિયમોનો ભંગ તો કર્યો જ છે. જાે કે ચૂંટણી વખતે પણ આ મહાનુભાવે પત્રકાર પરિષદો યોજી તેમાં બંધારણીય કરતાં રાજકીય ભાષાનો ઉપયોગ વધારે કર્યો હતો. તે વખતે પણ બંધારણના નિષ્ણાતોએ નોંધ લીધી હતી. મમતા બેનરજીનો વિજય ભાજપને આકરો પડે તે સમજી શકાય તેવી વાત છે પણ રાજ્યપાલ તો બંધારણીય વડા છે તેમણે આ રીતે શા માટે વર્તવું જાેઈએ ? એક વિવેચકે તો ચૂંટણી ટાણે એવી ટકોર કરી હતી કે રાજ્યપાલ ચા કરતાં કીટલી ગરમ હોય તે રીતે કેન્દ્રની રાજકીય ભાષા બોલે છે.

મહારાષ્ટ્રમાં ભાજપનો સાથ છોડી એન.સી.પી. અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સરકાર રચનાર અને શીવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેના ઘણા નિર્ણયોને રાજ્યપાલ કોશીયારીએ અટકાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમણે કોરોનાની પહેલી લહેર બાદ મંદિરો ખોલવા બાબતના ઉધ્ધવ ઠાકરેની ભાજપની ભાષામાં ટીકા કરી હતી.
જાે કે ૧૯૮૦ બાદ રાજ્યપાલો બંધારણના બદલે પોતાને નિમનાર શાસક પક્ષના કહ્યાગરા તરીકે કામ કરે છે તેના કારણે રાજ્યપાલના હોદ્દાની ગરીમા ઝંકવાય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તો આવા અનેક બનાવો બન્યા છે જેની નોંધ લીધા વગર ચાલી શકે તેમ નથી. રાજ્યપાલો હવે બંધારણની ભાષા બોલતા ક્યારે થશે ? અને આમ થશે તો જ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સાચા અર્થમાં રક્ષણ થશે. બાકી તો વિવેચકોને કહેવું જ પડશે કે લોકશાહીનું ચિરહરણ કરનારા બેરોકટોક વર્તે છે.
