છોટાઉદેપુર,
સૌ ભણે સૌ આગળ વધે….પઢેગા ઇન્ડિયા..તબ હી બઢેગા..ઇન્ડિયા. જેવા સ્લોગન ફક્ત સાંભળવા ખાતર છે. તેવુ લાગી રહ્યુ છે. છોટાઉદેપુરમાં આવેલી પ્રાથમિક શાળામાં જવા માટેનો રસ્તો ભૂમાફિયા દ્વારા બંધ કરવામાં આવ્યુ.જેના લીધે વિદ્યાર્થીઓના ભણતરમાં નુકશાન થઇ રહ્યુ છે.
છોટાઉદેપુર ખાતે નાની પિપાલેજમાં આવેલ મંમા માર્ગારેટ શાળામાં નર્સરી થી લઈ ધોરણ દસ સુધી ના 507 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમજ બીજી સરકારી પ્રાથમિક શાળા પણ આવેલી છે, પ્રજાસત્તાક દિવસની સાંજે શાળાએ જવાનો રસ્તો ભૂ માફિયાઓ દ્વારા બંધ કરી દેવાયો હતો તેવો આક્ષેપ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા છે.

શાળાએ જવાના રસ્તા પર રાતોરાત ગેટ બનાવી દેવાતા શાળાના વિદ્યાર્થીઓ અટવાયા હતા, આ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને ધોરણ દશના વિધાર્થીઓની પ્રિલીમનરી પરીક્ષા હોવાથી વિધ્યાર્થીઓ જિલ્લા સેવાસદન પર આવેલ કલેકટર કચેરી પર પહોંચી જિલ્લા સેવાસદન ના પટાંગણ માજ અભ્યાસ માટે બેસી ગયા હતા.

તો બીજી તરફ અહી આવેલી શાળા નજીક રેતીના ઢગલા કરી રેતીનું વેચાણ કરવામાં આવતું હોય જેના કારણે રેતી ભરવા આવતી જતી મોટી મોટી ટ્રકોને લઈ અહી અભ્યાસ માટે આવતા વિધ્યાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો હોવાનું પણ વાલીઓ જણાવી રહયા છે.

વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં કલેકટરની ઓફિસના પટાગણમાં જઇને અભ્યાસ કરવો પડે છે. ત્યારે આ મજબૂર વિદ્યાર્થીઓના ભાવિ તો જોખમમાં મુકાયા છે. આ પ્રાથમિક શાળામાં 5 કે 10 નહિ પરંતુ 507 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને ક્યારે ન્યાય મળશે..? ઉંઘતા તંત્રની ક્યારે આંખો ખુલશે..? તે હવે જોવુ રહ્યુ.
