ભારતમાં દર વર્ષે બાળકો વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2020માં બાળકો વિરુદ્ધ ક્રાઈમના કુલ 1 લાખ 28 હજાર 531 કેસ નોંધાયા હતા. તેમાંથી 47,659 બાળકો યૌન શોષણ અને છેડતીના શિકાર થયા છે. યૌન શોષણમાં છોકરીઓની સંખ્યા વધારે છે. રાહતની વાત એ છે કે વર્ષ 2019ની સરખામણીમાં 2020માં કેસમાં 13.5% ઘટાડો આવ્યો. વર્ષ 2019માં 1 લાખ 48 હજાર 90 કેસ નોંધાયા હતા. દેશના અમુક રાજ્યો બાળકો માટે સેફ નથી. સૌથી વધારે નોંધાયેલા બાળ શોષણ કેસમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી મહારાષ્ટ્ર અને બિહાર સામેલ છે.

છત્તીસગઢના જશપુર સ્થિત દિવ્યાંગ હોસ્ટેલમાં કેર ટેકર અને ચોકીદારે એક મુકબધીર છોકરીનો ગેંગરેપ કર્યો. નશામાં ધૂત હવશોએ ઘણી બાળકોના કપડાં ફાડી દીધા. 22 સપ્ટેમ્બરના રોજ થયેલી આ ઘટનાનો ખુલાસો થતા અનેક લોકો ગુસ્સે ભરાયા છે. હેવાનિયતની આ કોઈ પ્રથમ ઘટના નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, રોજ 351 બાળકો હિંસાનો શિકાર થાય છે, તેમાંથી 130 બાળકો યૌન શોષણનો શિકાર થાય છે.
હૈદરાબાદ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક છ વર્ષની બાળકીનો બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરવામાં આવી. અનેક લોકો રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે 10 લાખના ઇનામની જાહેરાત કરી છે. જો કે, થોડા દિવસ પછી આરોપીની ડેડબોડી રેલવે ટ્રેક પર મળી હતી.
ઉત્તર પ્રદેશ
16 ઓગસ્ટના રોજ માનવતાને લજવી મૂકે તેવી ઘટના સામે આવી હતી. એટા પોલીસના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષના છોકરાએ દૂધપીતી બાળકીનો બળાત્કાર કર્યો હતો. નાનકડા જીવને લોહીમાં ખદબદતી મૂકીને આરોપી ભાગી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસ નોંધ્યો.
દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં 1 ઓગસ્ટના રોજ કેન્ટ વિસ્તારની પાસે ઓલ્ડ નાગન ગામમાં સ્મશાનમાં રૂંવાટા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી. સ્મશાન ઘાટના ચાર કર્મચારીઓએ નવ વર્ષની બાળકીનો સામૂહિક બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી. સગીર વયની બાળકીની માતાના નિવેદનને આધારે દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી.
આપણો દેશ બાળકો માટે કેટલો સેફ?

US ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટના પર્સેપ્શન બેઝ્ડ સર્વે પ્રમાણે, બાળકો માટે સુરક્ષિત દેશોમાં ભારત 65મા નંબરે છે. આ રિપોર્ટ બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, બાળ મજૂરી, બાળ વિવાહ, હિંસા અને યૌન શોષણના કેસ ધ્યાનમાં રાખીને રેડી કર્યો છે.
બાળકોની સુરક્ષા માટે કાયદાઓ
આપણા દેશમાં બાળકોની સુરક્ષા માટે અનેક કાયદાઓ છે જેમાં પોક્સો એક્ટ 2012, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015, અનૈતિક દેહ વેપાર(પ્રતિબંધ) અધિનિયમ 1987, બાળ મજૂરી(પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ 1986 , બોન્ડેડ લેબર એક્ટ 1976 અને ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ 2006નો સમાવેશ થાય છે.
